• બુધવાર, 25 નવેમ્બર, 2026

લાંબા અંતરની ટ્રેનના ભોજનમાં `કાપ'

નવી દિલ્હી, તા. 24 : લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ભોજનનો અનુભવ બદલાઈ જશે. ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (આઈઆરસીટીસી)એ ટ્રેનોમાં અપાનારા ભોજનની ગુણવત્તા સુધારવા માટે મેન્યૂમાં ઘટાડો શરૂ કર્યો છે, જેના હેઠળ પ્રવાસીઓને નાસ્તા, બપોરનું ભોજન અને રાત્રિભોજનમાં પહેલાંની તુલનાએ ઓછા વિકલ્પ મળશે. હાલમાં આ વ્યવસ્થા ત્રણ વંદે ભારત સ્લીપર ટ્રેન રૂટ પર પાઈલટ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પહેલી નવેમ્બરથી લાગુ થયેલી આ વ્યવસ્થાનો હેતુ ખોરાકની ગુણવત્તા વધારવા અને સ્વચ્છતાથી જોડાયેલી ફરિયાદોને ઘટાડવાનો છે. એરલાઈન્સની જેમ ઓછું મેન્યૂ રાખીને દરેક વ્યંજનની ગુણવત્તા પર નજર રાખવી સરળ રહેશે. આઈઆરસીટીસી હાલમાં પ્રવાસીઓની પ્રતિક્રિયાનું આકલન કરી રહી છે. પ્રતિક્રિયા સકારાત્મક રહેશે, તો આ વ્યવસ્થાને લાંબા અંતરની અન્ય ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે. રેલવે મંત્રાલયના એક અધિકારી અનુસાર હાલમાં તમામ ત્રણ વંદે ભારત સ્લીપર ટ્રેન રૂટ પર આ વ્યવસ્થાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મુંબઈ-બેંગ્લોર, હાવડા-કામખ્યા અને નવી દિલ્હી-વારાણસી જંક્શનનો સમાવેશ થાય છે. મુંબઈ-બેંગ્લોર વંદે ભારત સ્લીપર ટ્રેનમાં નવા મેન્યૂ હેઠળ પ્રવાસીઓને ઈડલી-વડાની સાથે ચટણી અને સંભાર, પૌવા અથવા ઉપમામાંથી નાસ્તો પસંદ કરવાનો રહેશે. બપોરે અને રાતના ભોજનની થાળીમાં રોટલી, ભાત, દાળ અને એક મુખ્ય વ્યંજન રહેશે. મુખ્ય વ્યંજન માટે પ્રવાસી શાકાહારી અને બિનશાકાહારી વિકલ્પ પસંદ કરી શકશે. આ પહેલાં પ્રવાસીઓને મેન્યૂમાં અનેક વિકલ્પ મળતા હતા. ભોજનનું વજન પણ 700 ગ્રામમાંથી ઘટાડીને 500 ગ્રામ સુધી કરવામાં આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd