અમદાવાદ, તા. 24 (અમારા પ્રતિનિધિ તરફથી) : નવા
વર્ષમાં રોજગારી મેળવવા ઈચ્છતા ગુજરાતના યુવાનો માટે સરકારે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી
છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોલીસમાં
લોકરક્ષક કેડરમાં 12,752 જગ્યા
માટે સીધી ભરતીની જાહેરાત કરી છે. યુવાનોને સરકારી નોકરી મેળવવા માટે આ સુવર્ણ તક સમાન
છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક કેડરમાં 9752 જગ્યાનો મોટો વધારો કર્યો છે. આ સાથે કુલ 12,752 પદ ઉપર ભરતી જાહેર કરી છે.
સાથે જ સ્નાતક ઉમેદવારો માટે પીએસઆઈની 241 જગ્યા પણ બહાર પડાઈ છે. આમ કુલ 12,993 જગ્યા પર પોલીસમાં ભરતી કરવામાં
આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ `એક્સ'
પર જાહેરાત કરતાં જણાવ્યું કે, ગુજરાતના યુવાનો
માટે આ માત્ર નોકરી નથી, આ સમાજની સુરક્ષાની જવાબદારી છે. સરકારી
નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો આજથી જ શરૂઆત કરી દે. તેમણે ઉમેર્યું કે, ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા યુવાનો માટે આ સુવર્ણ
અવસર છે. તેમણે યુવાનોને વહેલી સવારે દોડવા,
નિયમિત કસરત કરવા અને રોજ અભ્યાસ કરવાની સલાહ આપી હતી. ઉમેદવારોને કોઈ
પણ વચેટિયા કે દલાલોથી સાવચેત રહેવાની પણ તાકીદ કરી હતી.લોકરક્ષક કેડરની નવી જગ્યાઓની
જાહેરાતમાં અગાઉની ભરતીની તમામ અન્ય સૂચનાઓ યથાવત્ રાખી છે. ઉમેદવારોએ અરજી પ્રક્રિયા
અને આગળની તમામ સત્તાવાર માહિતી માટે તેમજ ભરતી સંબંધિત દરેક અપડેટ માટે ગુજરાત પોલીસ
ભરતી બોર્ડની વેબસાઇટ https://grb.gujarat.gov.in
તથા ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in તપાસતા રહેવું. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે 20 નવેમ્બર-2026ના લોકરક્ષક
કેડરની ભરતીની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગૃહ વિભાગે વધારાની જગ્યાઓને લીલી ઝંડી આપી
હતી. આ નિર્ણય બાદ 23 નવેમ્બરના
ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશકે સુધારેલી જગ્યાઓની સત્તાવાર વિગતો જાહેર
કરી છે. જગ્યાઓ વધતાં હવે હજારો ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની તક વધી ગઈ છે.