નવી દિલ્હી, તા. 20 : દુનિયાના સૌથી મોટા આર્થિક સંસ્થાનો અને ડિજીટલ પેમેન્ટ નેટવર્કની ડિજીટલ સુરક્ષામાં ઘૂસણખોરીનો એક મોટો અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અમેરિકાની સૌથી મોટી જેપી માર્ગન ચેસની સાથે સાથે દિગ્ગજ કાર્ડ નેટવર્ક વીઝા અને માસ્ટરકાર્ડ સંબંધિત થર્ડ પાર્ટી વેન્ડર્સ ઉપર થયેલા એક મોટા સાઈબર હુમલામાં ગ્રાહકોની અંગત જાણકારી લીક થઈ છે. આ સાઈબર હુમલો એવા નાજુક સમયે થયો છે જ્યારે થોડા સમય અગાઉ જ વિમાન, આઈટી અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ક્ષેત્રમાં મોટાપાયે ટેક્નીકલ ગડબડ સામે આવી હતી. જેપી મોર્ગન ચેસે ગુરૂવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે બેંક સેવાઓ આપતા બહારી સેવા પ્રદાતા સાઈબર હુમલાના શિકાર બન્યા છે. હુમલાખોરોએ વેન્ડર્સ પાસે રહેલા માર્કેટિંગ ડેટાને નિશાન બનાવ્યો હતો. પ્રારંભિક તપાસ અનુસાર લીક થયેલી જાણકારીમાં મુખ્ય રૂપથી ગ્રાહકો અને અમુક કર્મચારીઓના નામ, ઈમેઈલ અને અમુક મામલામાં ફોન નંબર સામેલ છે. આ ડેટા બ્રીચની અસર હજારો ખાતા ઉપર પડી છે. જો કે બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે ડેટાની સંખ્યા જેપી મોર્ગનના કરોડો અને વીઝા-માસ્ટરકાર્ડના અબજો ગ્રાહકોના કુલ આધારની તુલનાએ ખુબ જ નાનો હિસ્સો છે. સૌથી મોટી રાહતની વાત એ રહી હતી કે સાઈબર હુમલાના કારણે બેંકિંગ અને લેવડદેવડ સંબંધિત સેવાને કોઈ અસર પડી નહોતી. જેપી મોર્ગન ચેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેની બેંકિંગ સેવા ઉપર કોઈપણ પ્રકારની અસર પડી નથી. વીઝા અને માસ્ટરકાર્ડ બન્નેએ પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે મુખ્ય કાર્ય અને પેમેન્ટ પ્રોસેસિંગ સિસ્ટમ ઉપર ઘટનાની કોઈ સીધી અસર પડી નથી. ચેસ અનુસાર તે તમામ ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે અને સુરક્ષા સહાયતાના રૂપમાં મફત ક્રેડિટ મોનિટરિંગ સુવિધા આપવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું છે કે દુનિયાની દિગ્ગજ બેંકો અને ટેક પેઢીઓ પોતાની કોર સિસ્ટમને ગમે તેટલી અભેદ બનાવે પણ તેમની સાથે કામ કરતા થર્ડ પાર્ટી વેન્ડર્સના સુરક્ષા માપદંડો કમજોર હોય તો ડેટાબેઝ ઉપર જોંખમ રહે છે. વધુમાં એઆઈના આ સમયમાં સુરક્ષા પડકારો વધારે સંવેદનશીલ બન્યા છે. આ મામલે ફોક્સ ન્યુઝ તરફથી કહેવામાં આવ્યું હતું કે, હુમલા પાછળ નોન પ્રોફિટ નામનું એક રેનસમવેર ગ્રુપ છે. આ ગ્રુપે જ જેપી મોર્ગન, માસ્ટરકાર્ડ અને વીઝા ગ્રાહકોનો ડેટા લીક કરવાની જવાબદારી લીધી છે.