નવી દિલ્હી, તા. 20 : નવી દિલ્હીમાં આયોજિત પહેલા એસસીઓ સિવિલાઈઝેશન ડાયલોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો છે. મોદીએ ભાર મૂકીને કહ્યું હતું કે, આ સંમેલનનું આયોજન એવા સમયે થઈ રહ્યુ ંછે, જ્યારે આખી દુનિયા ઉપર યુદ્ધ અને અશાંતિ ભારે પડી રહ્યા છે. આવા સમયે ભારતમાં સભ્યતા સંવાદ મંચની શરૂઆત થઈ છે. ભારતમાં સભ્યતાઓ વચ્ચે સંવાદ અને સંપર્ક ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયે ભારતમાં સિવિલાઈઝેશનલ ડાયલોગને મજબૂત કરવામાં આવી રહ્યો છે. કારણ કે, વૈશ્વિક સ્તરે શાંતિ માટે સાંસ્કૃતિક સંબંધો જ સૌથી મજબૂત ગેરેંટી છે. મોદીનું આ સંબોધન ચીનના શેન્ઝેંગમાં પુતિન, ટ્રમ્પ અને ઝિનપિંગની મહત્ત્વપૂર્ણ ત્રિપક્ષીય બેઠક બાદ સામે આવ્યું છે. તેવામાં સંબોધનને એક મહત્ત્વનો સંદેશ પણ ગણવામાં આવી રહ્યું છે. દિલ્હીના જૂના કિલ્લામાં ભારત સરકારની પહેલ ઉપર આયોજિત એસસીઓ સિવિલાઈઝેશનલ સમિટમાં એસસીઓ દેશના તમામ પ્રતિનિધિ હાજર રહ્યા હતા, જેમાં પાકિસ્તાનથી પણ શાહબાઝ સરકારના મંત્રી પહોંચ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પાકિસ્તાનના કોઇ મંત્રી ભારત આવ્યા છે. પીએમ મોદીએ એસસીઓ સમિટના 25 વર્ષ પૂરાં થવાને યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, એસસીઓ સુરક્ષા, અર્થવ્યવસ્થા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. આ સંમેલન તમામ મુદ્દાને વધારે મજબૂત કરશે. પીએમ મોદીએ કહ્યું હતું કે, જે જગ્યાએ આયોજન થઈ રહ્યું છે તેનું સાંસ્કૃતિક મહત્ત્વ ખૂબ વધારે છે. ઈતિહાસકારો અનુસાર દિલ્હીના જૂના કિલ્લાનું મહત્ત્વ હજારો વર્ષ પહેલાંનું છે, જેમાં ઈતિહાસનો સમાવેશ છે. વૈદિકથી લઈને બૌદ્ધ ધર્મની પ્રસ્તુતિ, હનુમાનજીની યાત્રા અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે. આ સાથે માનવતાનો ઈતિહાસ પણ છે. આ વારસો રાજનીતિક સરહદો વચ્ચે એકબીજાને જોડે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, દુનિયાના તમામ રસ્તે વેપાર થાય છે. આ રસ્તા મારફતે વેપારીઓની સાથે વિચારકો પણ એકથી બીજા સ્થળે ગયા છે. બૌદ્ધ ભિક્ષુઓ ગાંધારના રસ્તે જ ચીન જઈને ત્યાં બૌદ્ધ ધર્મ ફેલાવ્યો હતો, જ્યારે હેનસાંગ અને ફાહ્યાન જેવા યાત્રી ભારત પોતાના વિચારો સાથે આવ્યા હતા. ભલે સામ્રાજ્યોએ દુનિયાના નકશાને બદલ્યો હોય પણ સિવિલાઈઝેશનલ ડાયલોગે દુનિયાના વિચારને બદલ્યા છે. મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, દિલ્હીમાં શરૂ થયેલો ડાયલોગ દુનિયાને નવું જ્ઞાન આપવાનો મંચ બની શકે છે. જ્ઞાન કોઈ પણ સ્વરૂપમાં પ્રકાશ ફેલાવે છે. જેનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ ભારતનું પંચતંત્ર છે. જેનો ફારસી સહિતની ભાષામાં અનુવાદ થયો છે અને લોકો વચ્ચે પંચતંત્ર અમર છે. મોદીએ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું હતું કે, ભારતમાં કોઈ પણ પૂજા થાય તો અંતમાં આખા વિશ્વના કલ્યાણની વાત કરવામાં આવે છે. એટલે કે, આખું વિશ્વ પરિવાર છે. વસુધૈવ કુટુંબકમની ભાવના દરેકમાં છે. પરસ્પરના સદ્ભાવને પણ વૈશ્વિક કલ્યાણનો આધાર માનવામાં આવે છે.