• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને બેવડો ઝટકો

ટ્રમ્પની સહીથી ખરડો 100 ટકા ટેરિફનો કાયદો બન્યો; રૂસી તેલ ખરીદતા પાંચ દેશ નિશાને : વોશિંગ્ટન, તા. 19 : ભારતની ચિંતા વધારી શકે, તેવા ઘટનાક્રમમાં અમેરિકા હવે ભારત પર 100 ટકા સુધી ટેરિફ ઝીંકી શકશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે વિધેયક પર હસ્તાક્ષર કરી દેતાં તે હવેથી કાયદો બની ચૂકયો છે. રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ તેલ ખરીદતા પાંચ દેશોની અમેરિકી યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અજરબેજાન સામેલ છે. આવા દેશો પર ટ્રમ્પે ટેરિફની તલવારની ધાર તીક્ષ્ણ બનાવી છે. ભારત પોતાની જરૂરિયાતનું 40 ટકાથી વધુ ક્રૂડતેલ રશિયા પાસેથી ખરીદે છે. અમેરિકી વેપાર પ્રતિનિધિ દર 180 દિવસે રૂસી તેલ ખરીદતા દેશોનું મૂલ્યાંકન કરશે. અમેરિકા તરફથી 100 ટકા ટેરિફનાં પગલાં પર પ્રતિક્રિયા આપતાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, દેશનાં હિતો સાથે કોઇ જાતની બાંધછોડ ભારત નથી કરવાનું. - એચ-વનબી વીઝામાં એક લાખ ડોલર ફી યથાવત્ : ભારતીયોની નોકરી પર આફત : વોશિંગ્ટન, તા. 19 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને એચ-1બી વિઝાને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને એચ-1બી વિઝા પર એક લાખ ડોલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં એચ-1બી વિઝાના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે એચ-1બી વિઝા પર 1,00,000 ડોલરની ફી લગાવતાં જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. આ સાથે જ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે, જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે. એચ-1બી એ અમેરિકાનો એક એવો વિઝા છે, જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચ.ડી. કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલોજી, એન્જિનીયારિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે. ઐતિહાસિક વારસો જુઓ  ટ્રમ્પ પ્રશાસને 2025માં એચ-1બી વિઝા માટે 1,00,000 ડોલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે 2000થી 5000 ડોલરની વચ્ચે રહેતી હતી, તેથી એક લાખ ડોલરની આ રકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતાં સરકારને ફી વસૂલવાથી રોકી હતી. ઉદ્યોગ જગતનું માનવું છે કે, અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે, પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd