ભુજ, તા. 19 : નખત્રાણા બાજુની સગીરાને સુરેન્દ્રનગર
જિલ્લાના યુવકે ઈન્સ્ટાગ્રામમાંથી મિત્રતા કેળવી અને અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાના
બનાવમાં આરોપી દીપક ઉર્ફે દીપ વાડીલાલ સોલંકી (રહે. મોજીદડ, તા.ચુડા, જિ. સુરેન્દ્રનગર)ને
સ્પે. અદાલતે તકસીરવાન ઠેરવી 25 વર્ષની સખત કેદ તથા 95 હજારનો દંડ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો એવી છે કે, ફરિયાદીની 17 વર્ષની સગીર દીકરીને આરોપી
દીપક ઉર્ફે દીપે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી ફોન નંબર મેળવી
અવારનવાર વાતચીત દ્વારા લલચાવી-ફોસલાવી મળવા માટે આગ્રહ કરતાં ભોગ બનનારને નખત્રાણા
મળવા આવ્યો હતો. આ બાદ સગીરાને વિશ્વાસમાં લઈ તેનું અપહરણ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ
ગુજારી બિભત્સ ફોટા પાડયા હતા. આ બાદ આવા ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ અવારનવાર
દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાવાઈ હતી. આ કેસ ભુજની સ્પે. અદાલતમાં
જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી જતાં પ્રોસિક્યુશન તરફે 50 દસ્તાવેજી પુરાવા, 12 સાક્ષી તપાસી
આરોપી દીપક ઉર્ફે દીપ સોલંકીને જુદી-જુદી કલમોમાં તકસીરવાન ઠેરવી 25 વર્ષની સખત કેદ તથા કુલ રૂા.
95 હજારના દંડની સજા ફરમાવી હતી.
આ દંડની રકમ ઉપરાંત રૂા. ત્રણ લાખનું વળતર ચૂકવવા ડી.એલ.એસ.ને ભલામણ કરતો હુકમ કોર્ટે
આપ્યો છે. પ્રોસિક્યુશન તરફે મુખ્ય સરકારી વકલી એચ.બી. જાડેજાએ સાક્ષી તપાસી દલીલો
કરી હતી તેમજ મૂળ ફરિયાદીના વકીલ તરીકે ડી.એન. બારોટ હાજર રહ્યા હતા.