ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 19 : થોડા સમય પહેલાં જ સમગ્ર રાજ્યમાં
વર્તમાન જંત્રીની કિંમત ડબલ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ 2011 પછી જંત્રીના ભાવ હવે વધવાના
છે, તેથી કેટલાક બિલ્ડર અને ડેવલોપર્સને અગાઉથી
ગંધ આવી જતાં ખરીદી-વેચાણમાં મોટા-મોટા દાવ ખેલાઈ ગયા હોવાનું બહાર આવી રહ્યું છે.
ભુજમાં ધમધમતા વિસ્તારમાં ચાર એકર જેટલી જમીનના દસ્તાવેજ વેચાણમાં દસ ગણા જંત્રી ઓછા
દર્શાવાયા હોવાનો કિસ્સો પકડાઈ જતાં 40 કરોડની સામે માત્ર ચાર કરોડની ડયૂટી ભરાઈ છે, ત્યારે બિનખેતી પણ થઈ ગયેલી મિલકતમાંથી પ્લોટ
ખરીદી કરી ચૂકેલા કેટલાક પ્લોટધારકોને માલિકી હક્ક નહીં મળતાં માથે હાથ દેવાનો વખત
આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે ભુજમાં ચાલતા જમીન લે-વેચના ધંધામાં હડકંપ મચી
જતાં આ વ્યવસાય સામે અનેક સવાલો ઊભા થયા છે. - જમીન ક્યાં આવેલી છે : પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ભુજ શહેરના
જયનગર રિંગરોડને અડીને આવેલી આ ભૂમિને ખેતીમાંથી બિનખેતી કરાવવામાં આવ્યા બાદ 13,300 ચોરસ મીટરના 65 પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં
આવ્યા હતા. શિવ હિલ સોસાયટીનાં નામે ડેવલપ થયેલી રહેણાકની વસાહતના મુખ્ય પ્રવેશદ્વાર
જયનગર રિંગરોડને અડે છે અને પાછળનો આખો ભાગ શિવકૃપા નગરમાં પડતો હોવાથી જેના સર્વે
નંબર 173/13 છે, પણ અહીં અડીને અલગ-અલગ સર્વે નંબરો જોડાયેલા
હોવાથી જંત્રીના ભાવ ઝોન બનાવીને નક્કી થતા હોય છે, તેવું જાણવા
મળ્યું હતું. હવે વિસંગતતા એ છે કે, જંત્રીના ભાવ વધ્યા ત્યારે
વેચાણ દસ્તાવેજમાં રૂા. ત્રણ હજાર પ્રમાણે જંત્રી ભરવામાં આવ્યો હતો, પરંતુ સ્ટેમ્પ ડયૂટી કચેરીમાં જ્યારે પ્લોટધારકો પ્રમાણપત્ર માગતાં આખો કિસ્સો
પકડાઈ ગયો હતો. જે સૂત્રોએ આ કિસ્સા અંગે માહિતી આપી હતી તેઓએ જણાવ્યું કે,
મોટાં-મોટાં માથાંઓની જંત્રીની કિંમતમાં મોટી રમતો છે અને હજુ અનેક બીજા
કિસ્સા પણ બહાર આવી શકે છે. - કેવી રીતે જંત્રી પ્રકાશમાં આવ્યો : સ્ટેમ્પ ડયૂટી વિભાગની કચેરીમાં દસ્તાવેજમાં
ક્યાંક ડયૂટી ઓછી ભરાઈ હોવાનું ધ્યાને જતાં ક્યાંક તંત્રને આ કિસ્સામાં ષડયંત્ર હોવાની
શંકા ગઈ હતી. કેમ કે, જે સર્વે નંબરને
અડીને આવેલા સર્વે નંબરના જંત્રીના પ્રતિચોરસ ભાવ 15,500 હતા અને વર્તમાન જંત્રીના ડબલ
થાય તો રૂા. 31 હજાર થઈ જાય છે. સરકારને કરોડો
રૂપિયાની નુકસાની જતી હોવાનું ધ્યાને જતાં સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેક્ટર રીટાબા ચૂડાસમા
કહે છે કે, કલમ 33 પ્રમાણે દંડ ભરવામાં આવે તો
જ નો ડયુ પ્રમાણપત્ર મળે અને જો પ્રમાણપત્ર ન મળે તો પ્રોપર્ટીકાર્ડ બને નહીં. - અજ્ઞાનતા હોઈ શકે : સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેક્ટર રીટાબા ચૂડાસમાએ
પ્લોટધારકોની મુશ્કેલી સમજી અને કહ્યું કે, જ્યારે દસ્તાવેજથી વેચાણ દસ્તાવેજ થયા ત્યારે જે ડયૂટી ભરાઈ છે તેમાં વિસંગતતા
છે, આવી કોઈ જોગવાઈ નથી કેમ કે, તપાસ કરતાં
અગાઉની નોંધ પ્રમાણે ડયૂટી બાકી બોલે છે. સરકાનો કાયદો ગયા વર્ષે બદલ્યો હોવાથી ડયૂટીનું
ભરણું ખોટી રીતે થયું હોવાથી અને પ્લોટધારકોને પ્રમાણપત્ર નથી આપી શક્યા એમને પ્રોપર્ટીકાર્ડ
ન મળે અને પ્લોટ વેચાણ થઈ ગયા છે હવે તબદીલ
પણ થઈ શકે નહીં. - કિસ્સો સરકાર
સુધી : આથી ડેવલપ થયેલી જમીનના જંત્રીની ડયૂટી
રૂા. 40 કરોડના બદલે રૂા. ચાર કરોડ
એટલે કે ત્રણ હજાર મીટરના ભાવે વેચાણ થતાં હવે કરોડો રૂપિયાનો દંડ ભરવાનું થાય છે.
સ્થાનિકે કોઈની પાસે સત્તા નથી એટલે કિસ્સો સરકારમાં પહોંચ્યો છે, તેવું ખુદ શિવ હિલ સોસાયટીના મુખ્ય ભાગીદાર
નરોત્તમભાઈ પોકારે કહ્યું હતું. તેમણે કહ્યું કે, અમે સરકારના
નિયમો પ્રમાણે બિનખેતી કરાવીને પ્રીમિયમ ભર્યું છે. પ્લોટધારકોના દસ્તાવેજ બની ગયા
છે, પરંતુ પાછળથી ઝોન બદલવાની વાત સામે આવી છે. - ત્રણ હજાર ભાવ છે : શ્રી પોકારે દાવો કર્યો કે, દસ્તાવેજ થયા ત્યારે સરકારના રૂા. ત્રણ હજાર
જંત્રીના ભાવ પ્રતિચોરસ હતા, પણ ઝોન બનાવવાનાં કારણે લાગુ ભાવ
રૂા. 15,500 ગણી તેના ડબલ રૂા. 31 હજાર સ્તર પ્રમાણે હવે ભરવા
જણાવવામાં આવે છે, જે નિયમો પ્રમાણે
નથી, કેમ કે, આ જમીન મિરજાપર ગ્રામ પંચાયતમાં
આવે છે. - ખોટી રીતે
હેરાનગતિ : તેમણે બીજીબાજુ એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક હિતશત્રુઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં
આવે છે. અમે સરકારના નિયમો પ્રમાણે ડયૂટી ભરી છે, હવે પાછળથી
31 હજાર ભાવ દર્શાવાયા છે. આ ભાવ
પ્રમાણે કોઈ ખરીદી પણ ન કરે.