• રવિવાર, 20 સપ્ટેમ્બર, 2026

40 ગામની સુખાકારીનો સવાલ : ડુમરા સીએચસી મૂળ જગ્યાએ જ રાખવા માંગ

નલિયા, તા. 19 : જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના માજી ચેરમેન મમતાબેન જયંતીલાલ ઠક્કરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવીને ડુમરા ગામે મંજૂર થયેલાં નૂતન સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ને તેની મૂળ જગ્યાએ જ નિર્મિત કરવા માટે રજૂઆત કરી છે. મુખ્યમંત્રીને મોકલેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે, અબડાસાના અંતરિયાળ એવા ડુમરા ગામે રાજ્ય સરકાર દ્વારા 40થી વધુ ગામના 75 હજાર લોકોની સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, જે ખરેખર આવકારદાયક નિર્ણય છે. જો કે, આ હોસ્પિટલનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વર્ષ 1958માં ડુમરાના ઉદારમન દાતાઓએ માતબાર દાન આપી ત્રણ એકર જેટલી વિશાળ જમીનમાં તમામ સુવિધાઓ સાથેની હોસ્પિટલ બનાવી `યાવત ચંદ્ર દિવાકરો' સુધી ચલાવવાના કરાર સાથે સરકારને સોંપી હતી. કચ્છના વિનાશક ભૂકંપ સુધી આ હોસ્પિટલનું સંચાલન સુચારુ રીતે ચાલ્યા બાદ તેને અગમ્ય કારણોસર ડિસ્પેન્સરીમાં ફેરવી દેવામાં આવી હતી. વધુમાં મમતાબેને રજૂઆતમાં  આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, હાલમાં ડુમરા ગામના કેટલાક લેભાગુ અને અસામાજિક તત્ત્વો વહીવટી તંત્રના નવા આવેલા અધિકારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ તત્ત્વો હોસ્પિટલની કિંમતી જમીન હડપવા માટેનાં ષડયંત્ર રચી રહ્યા છે અને આ જ કારણોસર તેઓ હોસ્પિટલને મૂળ જગ્યાએથી હટાવી અન્યત્ર ખસેડવા માટે વહીવટી તંત્રમાં ખોટી અરજીઓ કરી રહ્યા છે. અગાઉ પણ આ મિલકતમાંથી કિંમતી સાધન-સામગ્રી અને બારી-બારણાંની ઉઠાંતરી કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે. દાતાઓએ જે તે સમયે હોસ્પિટલ માટે ઓપરેશન થિયેટર, મેટરનિટી વોર્ડ જેવી સવલતો પણ ઊભી કરી આપી હતી. જો આ હોસ્પિટલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે, તો દાતાઓના પવિત્ર ઉદ્દેશ્યને ઠેસ પહોંચશે. આથી, ગ્રામીણ જનતાનાં હિતમાં અને દાતાઓની ભાવનાને માન આપીને નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્ર અત્યારની નિર્ધારિત ત્રણ એકર જમીનમાં જ બનાવવામાં આવે તેવી માંગ મમતાબેન ઠક્કર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને શ્રમ-રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd