દયાપર (તા. લખપત), તા. 19 : લખપત તાલુકામાં
નવા રસ્તા બની રહ્યા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસમાં વાપરી નાગરિકોના હિત જેવાં
કામો થઈ રહ્યાં છે પણ કરોડોના ખર્ચે હાઈવે પર ડામર ચડાવ્યા બાદ રોડની બન્ને બાજુ 1 મીટર કાચો રસ્તો (સાઈડ સોલ્ડર) દેખાતો જ
નથી જે વર્ષો પહેલાં હતો... ! વરસાદમાં ધોવાણ થયા પછી મોટા ભાગના રોડ રસ્તા પર સાઈડની
પટરી પર ધ્યાન જ દેવાતું નથી તેવી ફરિયાદ ઊઠી છે. તાલુકાના મુખ્ય મથકે દયાપરમાં જ મોમાય
ઓટો પાસે રોડની ધારના કારણે કેટલાંય દ્વિચક્રી વાહનો પડી જાય છે. ખાસ તો ઈંગ્લિશ સ્કૂલમાં
બાળકોને લેવા જતી મહિલાઓ પણ `રોડની ધાર'નો ભોગ બને છે. આ બાબતે માર્ગ મકાન વિભાગનું
ધ્યાન વારંવાર દોરાયું હોવા છતાં પટરીમાં મોરમ માટી નખાતી નથી. રવાપરથી માતાના મઢ રસ્તો
નવરાત્રિ પદયાત્રીઓથી ભરચક રહે છે. જે-તે સમય અહીં બન્ને સાઈડમાં 5 કિ.મી. ફૂટપાથ બનાવવાની જાહેરાત થઈ હતી.
ફૂટપાથ તો જ્યારે બંને, જાહેરાતને
આઠ વર્ષ થયાં રોડની પટરીની પણ મરંમત થતી નથી. રોડ કામ સમય માટી-મોરમ નહીં નખાતાં બંને
સાઈડમાં બાવળિયા ઊગી આવ્યા છે. ચાલતા પદયાત્રીઓને કાંટા વાગે છે, લોહી નીકળે છે. રોડ કામના ટેન્ડરમાં
સાઈડ સોલ્ડર મરંમત કરવાનું હોય છે પણ કામ થતું નથી જેના કારણે હાઈવેની પહોળાઈ ઘટી જાય
છે. 7 મીટર નહીં પણ પાંચ મીટર જેટલો પહોળો રહે
છે. ઘડુલીથી દયાપર હાલમાં જ રોડ બન્યો છે. સાઈડ સોલ્ડરની મરંમત નથી થતી. છેક ભુજ સુધી
હાઈવેની હાલત મોટાભાગે આવી છે જ્યાં સાઈડ સોલ્ડર મરંમત કામ બાકી છે તે તાત્કાલિક થવું
જોઈએ. આ બાબતે માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સી.વી. બોરડનો સંપર્ક કરતાં પોતે
તપાસ કરશે તેવું જણાવ્યું હતું.