ભુજ, તા. 19 : અંધ નિવૃત્ત સંગીત શિક્ષકના ઘરના તાળાં તોડી માળિયાના ખાનામાં રાખેલા નિવૃત્ત પેન્શનના બચતના રૂા. 2.50 લાખની ચોરી થયાની ફરિયાદ પુત્ર
સમીરે નોંધાવી હતી, જેમાં પોલીસે સમીરના મિત્રની પૂછતાછ કરતા સમીર
તેને તાળું મારેલી બેગ આપી ગયાનું કહેતા તેમાંથી રોકડા રૂા. 23 લાખ અને 29.40 લાખના દાગીના
નીકળ્યા હતા. આમ મા-દીકરાએ સાથે મળી ચોરીનું
ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. આ બનાવ અંગે તપાસકર્તા મુંદરાના પી.આઇ. એમ.આર. શકોરિયાનો
સંપર્ક કરતાં ચોરીની ફરિયાદ બાદ પોલીસે ઘટના સ્થળની મુલાકાત લેતા ત્યાં બીડીના ઠૂંઠા
અને ચંપલ મળ્યા હતા. સમીરે આ ચંપલ ચોરના હોવાની શંકા દર્શાવી હતી. પોલીસે વિવિધ ફૂટવેરની
દુકાનમાં તપાસ કરતાં આ ચંપલ સમીર અને તેની માતાએ એક દુકાનેથી ખરીદ્યાનું સામે આવ્યું
હતું. બીજી તરફ પોલીસે સમીરના મિત્રની પૂછતાછ કરતા મિત્રએ જણાવ્યું કે, સમીરે તેને સાચવવા માટે તાળું મારેલી એક બેગ
આપી છે, જેમાં ઘરના કિંમતી દાગીના અને રોકડા રૂપિયા છે. પોલીસે
આ બેગ તપાસતા તેમાંથી 23 લાખ રોકડા
રૂપિયા અને 29.40 લાખના સોના-ચાંદીના દાગીના
એમ કુલ્લે રૂા. 52.90 લાખનો મુદ્દામાલ
મળ્યો હતો. આ બાદ પોલીસે સમીરની પૂછતાછ કરતાં તે ભાંગી પડયો હતો અને કહ્યું કે, હકીકતમાં તેણે અને તેની માતાએ જ ઘરમાં ચોરીનું
ષડયંત્ર રચ્યું જ્ઞહતું. અંધ પિતા શોકતઅલી નાણાં ખર્ચ કરવામાં ખૂબ કરકસર કરતા હતા.
સમીરની સગાઇની વાતો ચાલતી હતી. માતા અને પુત્રની ઇચ્છા ધામધૂમથી સગાઇ અને લગ્ન કરવાની
હતી. આથી તેમણે આ ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીના આરોપસર સમીર અને તેની
માતા યાસ્મિનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.