નવી દિલ્હી, તા. 19 : દેશની સર્વોચ્ચ
અદાલત દ્વારા દારૂબંધીની મુખ્ય પાંચ નકારાત્મક અસરો એક કેસની સુનવાણી દરમિયાન ગણાવવામાં
આવી હતી. દારૂબંધીની અસર ઉપર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું
કે શરાબ ઉપર પૂરી રીતે પ્રતિબંધ મૂકવાથી મહેસૂલી આવકનું નુકસાન, પ્રતિબંધ લાગુ કરાવવામાં ખર્ચ, પોલીસમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે શરાબ બનાવવો અને નશાકારક દવાઓના ઉપયોગ સંબંધિત
સમસ્યા જેવા જોખમો પેદા થઈ શકે છે. અદાલતે
ભાવનગરના લઠ્ઠાકાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ઝેરી અને ગેરકાયદે શરાબને લીધે દસ મોટા લઠ્ઠાકાંડમાં 600થી વધુ જણ માર્યા ગયા છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની
પીઠે આ ટિપ્પણી મહારાષ્ટ્ર પોઇઝન્સ રૂલ્સના નિયમ 18એ અને 18બીને રદ કરતાં
કરી હતી. આ નિયમો હેઠળ મિથેનોલની ખરીદીને નિયંત્રિત કરવામાં આવી હતી અને બિનદવા નિર્માતાઓને
તેના વેચાણ પહેલાં કડવો પદાર્થ ભેળવવો તેમજ રંગ ભેળવવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટની પીઠે ગુજરાત અને બીજાં રાજ્યમાં ઝેરી શરાબનાં કારણે બનેલી
ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે,
હાલમાં ગુજરાતના ભાવનગર અને મધ્ય પ્રદેશના સાગરમાં બનેલી લઠ્ઠાકાંડની
ઘટનાઓ અધિકારીઓ માટે ચેતવણી છે. આ બન્ને ઘટનામાં ક્રમશ: 13 અને 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. પીઠે
કહ્યું હતું કે, ઈતિહાસ બતાવે છે કે પૂરી
રીતે દારૂબંધી ઘણી શરાબના કારોબારને જમીનદોસ્ત કરે છે તેમજ જીવલેણ શરાબનાં વેચાણનું
જોખમ વધે છે. કોર્ટે ગુજરાતનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાજ્યમાં સખત દારૂબંધીની નીતિ
છે. જો કે રાજ્યના ગઠન અને આઝાદી બાદથી 10 મોટી ઝેરી દારૂની ઘટનાઓ બની છે. જેમાં 600થી વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા
છે. સુપ્રીમ કોર્ટે આ સાથે મહારાષ્ટ્ર સરકારની અરજીનો સ્વીકાર કર્યો હતો અને કહ્યું
હતું કે, મિથેનોલ સંબંધિત નિયમોનો ઝેરી શરાબ રોકવાના
હેતુ સાથે કોઈ તાર્કિક સંબંધ જોવા મળતો નથી. પીઠે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના ઈરાદા ઉપર સવાલ નથી. રાજ્ય બતાવવામાં અસફળ રહ્યું છે કે મિથેનોલમાં
રંગ ભેળવવાની પ્રક્રિયા કેવી રીતે ઉપયોગી સાબિત થશે.