• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

જીડીપીના આંકડા મુદ્દે સર્જાયો વિવાદ

નવી દિલ્હી, તા. 2 : દેશના જીડીપીમાં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 7.8 ટકા વધારો આવ્યો છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવેલા અંદાજથી વધુ છે. જીડીપીના આ આંકને લીધે રાજકીય ચર્ચાએ જોર પકડયું છે. પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગે આ આંકડો 2.6 ટકા હોવાનું જણાવીને સવાલ ઉઠાવ્યા હતા. તે પછી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, સરકાર  દ્વારા જીડીપીના આંકમાં ઊલટફેર કરવામાં આવ્યો છે અને તેનાથી દેશની આર્થિક નબળી પરિસ્થિતિને છુપાવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે. સરકારે સુભાષચંદ્રનો આરોપ ફગાવતાં કહ્યું હતું કે, તેમની આ આંકડાકીય ગણતરી ખોટી છે. પૂર્વ નાણા સચિવને ટાંકીને એક હેવાલમાં કહ્યું હતું કે, 2025-26ના ત્રિમાસિક ગાળાનો જીડીપીનો સાચો આંકડો મળ્યો નહાતો કારણ કે વર્તમાન કિંમતો પર આધારિત જીડીપી આંકને રૂા. 86 લાખ કરોડથી ઘટાડીને રૂા. 80 લાખ કરોડ  કરી દીધા હતા. સરકારના સૂત્રોએ ગર્ગની આ ગણતરીને ખોટી ઠરાવતાં કહ્યું હતું કે, સુભાષચંદ્રએ 2.6 ટકાની વૃદ્ધિ બતાવવા નાણાકીય વર્ષ 25-26ના પહેલા ત્રિમાસિકના રૂા. 86.05 લાખ કરોડની સરખામણી વર્ષ 26-27ના પ્રથમ ત્રણ મહિનાના રૂા. 88.27 લાખ કરોડ સાથે હતી. આમાં 88.27 લાખ કરોડનો આંકડો નવા જીડીપી મુજબ જ્યારે રૂા. 86.05 લાખ કરોડ જૂની સિરીઝનો છે. આમ બે અલગ સિરીઝના આંકડા સાથે કરાયેલી સરખામણી દ્વારા વૃદ્ધિદર મેળવવાની ગણતરી ખોટી છે. આંકડા મંત્રાલયે કહ્યું હતું કે, બે સમયગાળા માટે એક જ પદ્ધતિ, તેના ડેટાની માહિતીનો ઉપયોગ કરીને જીડીપીની સરખામણી કરવામાં આવે તો જ તે સાચી માની શકાય. આ રીતે ગણતરી કરવામાં આવે તો લગભગ 10.3 ટકા વધારો નોંધાયો છે, જેમાં રૂા. 75.46 લાખ કરોડથી વધીને 81.36 લાખ કરોડ જીડીપી મુજબ ખરેખર વૃદ્ધિ 7.8 ટકા થાય છે. ગર્ગે કહ્યું હતું કે, જો પાછલા વર્ષે જાહેર કરાયેલી જીડીપીની વર્તમાન કિંમતને લેવામાં આવી હોત તો નોમિનલ જીડીપીનો વૃદ્ધિદર 2.5 ટકાથી પણ ઓછો થયો હોત અને આંકમાં મોટો તફાવત આવ્યો ન હોત. આમ 7.8 ટકાની જીડીપી વૃદ્ધિ કેટલી વાસ્તવિક છે તે અંગે શંકા વ્યક્ત કરી હતી.

Panchang

dd