બીજિંગ, તા. 9 : ઉત્તર તાઈવાનમાં ભારે વરસાદ બાદ ચક્રવાત ડોલ્ફિન
ચીન તરફ આગળ વધ્યું હતું અને ખરાબ હવામાનનાં કારણે 1300થી વધારે ઉડાનોને રદ કરી દેવામાં આવી હતી. અધિકારીઓએઁ
ચક્રવાત પ્રભાવિત અને આસપાસના ક્ષેત્રમાંથી 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડયા હતા. આ ઉપરાંત
ચક્રવાતનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. શનિવારે ચક્રવાત ડોલ્ફિન ઉત્તરી
તાઈવાન સાથે ટકરાયું હતું. બાદમાં ભારે પવન અને વરસાદની સ્થિતિ જોવા મળી હતી. ખરાબ
હવામાનને ધ્યાને રાખીને તાઈવાની એરલાઇન્સે
ચીન જતી ફલાઇટ્સ રોકી દીધી હતી. રવિવારે સવાર સુધીમાં તોફાનની વધુમાં વધુ રફતાર 162 કિમી પ્રતિકલાકની નોંધવામાં આવી હતી. ભારે વરસાદના કારણે ચીનના અમુક વિસ્તારમાં
ભૂસ્ખલન અને પૂરનું જોખમ પણ વધ્યું છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે મોડી રાત્રે તોફાન
ઝેઝિયાંગ અને ફુજિયાનના ઉત્તરી વિસ્તારમાં ટકરાશે તેવી સંભાવના છે. ચીની હવામાનશાત્રીઓએ
અનુમાન વ્યક્ત કર્યું હતું કે આગામી અમુક સમયમાં ચક્રવાત પ્રભાવિત વિસ્તારમાં 200-400 મિમિ સુધીનો વરસાદ પડી શકે છે. વધુમાં ભૂસ્ખલનના ગંભીર જોખમની ચેતવણી પણ આપવામાં
આવી હતી. સંભવિત જોખમને ધ્યાને રાખીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.