વોશિંગ્ટન, તા. 9 : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સની
મુશ્કેલીઓ વધારવાનું શરૂ કર્યું છે. આ જ શ્રેણીમાં હવે ઉચ્ચ કુશળ વિદેશી કર્મચારીઓ
કે જેમાં ભારતીયો બહુમતીમાં હોય છે તેમના માટે ટ્રમ્પ સરકારે નોકરી છૂટતાની સાથે જ
દેશ છોડવો પડે તેવી સ્થિતિ ઊભી કરવાની તૈયારી હાથ ધરી છે. હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે
એચ-1બી અને
અન્ય કાયદાકીય નોન-ઈમિગ્રન્ટ્સ વિદેશી કર્મચારીઓને નોકરી છૂટયા પછી મળતો 60 દિવસનો ગ્રેસ પીરિયડ ખતમ કરવા માટે ટ્રમ્પ સરકારે વિચારણા હાથ ધરી છે. અમેરિકામાં
સૂચિત દરખાસ્ત વ્હાઈટ હાઉસની ઓફિસ ઓફ ઈન્ફર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સને સમીક્ષા
માટે મોકલાઈ છે. આ નિયમ હજુ કાયદો બન્યો નથી. જો કે, તે કાયદો બની જશે તો એચ-1બી સહિત
ઉચ્ચ કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓએ નોકરી ગુમાવ્યા પછી તાત્કાલિક અમેરિકા છોડી જવાની
ફરજ પડશે. અમેરિકામાં એચ-1બી સહિતના ઉચ્ચ કુશળ પ્રોફેશનલ્સમાં ભારતીયોની
સંખ્યા સૌથી વધુ હોવાથી ટ્રમ્પ સરકારના આ નિર્ણયની એચ-1બી વિઝાધારક
સહિતના ભારતીય પ્રોફેશનલ્સ પર સૌથી વધુ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ અમેરિકામાં
નોકરી કરતાં ઈમિગ્રન્ટ્સને નોકરી ગુમાવ્યા પછી નવી નોકરી, નવા સ્પોન્સર શોધવા, વિઝા સ્ટેટસ બદલવા અથવા દેશ છોડવાની તૈયારી કરવા માટે 60 દિવસનો સમય મળે છે. આ ગ્રેસ પીરિયડ 2017માં લાગુ ડીએચએસ નિયમથી આવ્યો હતો, જેના હેઠળ વિદેશી કર્મચારી અને
તેના પર નિર્ભર લોકોને નવી નોકરી શોધવાના સમય સુધી અમેરિકામાં કાયદેસર રોકાણની મંજૂરી
મળતી હતી. આ સુવિધાનો લાભ ઈ-1, ઈ-2, ઈ-3, એચ-1બી, એચ-1બી1, એલ-1, ઓ-1 અને ટીએન જેવા નોન ઈમિગ્રન્ટ વિઝાધારકોને મળતો
હતો. ટ્રમ્પ સરકાર સંબંધિત પ્રસ્તાવ સ્વીકારી લેશે તો બધા જ પ્રકારની શ્રેણીના પ્રોફેશનલ્સ
અને વિદેશી કામદારો માટે મોટી મુશ્કેલી ઊભી થશે. નોકરી ગુમાવવા અથવા વિપરિત પરિસ્થિતિઓમાં
નોકરી છોડવાના સંદર્ભમાં તેમણે તાત્કાલિક અમેરિકા છોડવું પડશે.