નવી દિલ્હી, તા. 9 : રશિયા ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા તરફ
એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. તે હિંદ મહાસાગર સુધીના એક નવા
અને વૈકલ્પિક વેપારી માર્ગની શક્યતાઓ તપાસી રહ્યું હોવાની ચર્ચા રશિયાના નાયબ વડાપ્રધાન
મરાત ખુસ્નુલીને કરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, રશિયાના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે,
રશિયાએ હિંદ મહાસાગર સુધી રેલવે માર્ગના નિર્માણની વ્યવહારુ શક્યતા પર
વિચાર કરવો જોઈએ. રશિયાનું માનવું છે કે, આવા વૈકલ્પિક રેલ નેટવર્કની
સ્થાપનાથી હાલના દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ખાસ કરીને બોસ્ફોરસ
અને હોર્મુઝની સામુદ્રધુની જેવા મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગો સાથે સંકળાયેલા જોખમોને
ટાળવા માટે આ માર્ગ નિર્ણાયક સાબિત થઈ શકે છે. હિંદ મહાસાગર સુધીના રેલવે માર્ગનો પ્રસ્તાવ
માત્ર એક નવો વેપાર માર્ગ સ્થાપિત કરવાની યોજના નથી; તે ભારત
અને એશિયા સાથે જમીન-આધારિત વેપાર સંબંધોને મજબૂત કરવાની રશિયાની વ્યાપક વ્યૂહરચનાનો
એક ભાગ પણ હોઈ શકે છે. રશિયાના નાયબ વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, સૂચિત રેલવે માર્ગ મધ્ય અને પશ્ચિમ એશિયાના અનેક દેશોમાંથી પસાર થઈ શકે છે.
તેમાં તુર્કમેનિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન
અને પાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સુધી પહોંચ પૂરી પાડતો કોઈપણ માર્ગ રશિયા માટે ફાયદાકારક રહેશે. આનો અર્થ
એ છે કે, રશિયા દરિયાઈ અને જમીની - એમ બંને માર્ગો દ્વારા ભારત
સાથેના વેપારને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જો આવું રેલ નેટવર્ક સ્થાપિત કરવામાં
આવે, તો રશિયાથી ભારત સુધી માલસામાનના પરિવહન માટે એક નવો વેપાર
કોરિડોર વિકસાવી શકાય છે. આનાથી માલસામાનના પરિવહનનો સમય અને દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા
ઘટાડવામાં મદદ મળી શકે છે. અત્રે એ નોંધનીય છે કે, હાલમાં કોઈ
રેલલાઇન કે નિર્ધારિત ટ્રેનસેવાને આખરી ઓપ આપવામાં આવ્યો નથી; રશિયા અત્યારે માત્ર આવા વિકલ્પોની વ્યવહારિકતા પર વિચાર કરી રહ્યું છે.