• બુધવાર, 08 જુલાઈ, 2026

સીરિયામાં મેક્રોંની હોટેલ પાસે વિસ્ફોટ

દમાસ્ક્સ, તા. 7 : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંના સીરિયા પ્રવાસ દરમ્યાન આજે અહીં તેઓ જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં એક પછી એક બોમ્બ વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. દમાસ્ક્સમાં  અનેક સ્થળે થયેલા ધડાકામાં કમસે કમ 18 જણ ઘવાયા હતા. સદ્નસીબે મેક્રોં સલામત છે અને તેઓ નિયત કાર્યક્રમ મુજબ જ સીરિયાના રાષ્ટ્રપતિ અહેમદ અલ  શારાને મળ્યા હતા. સીરિયાના મીડિયાના જણાવ્યા અનુસાર રાજધાનીના મધ્ય વિસ્તારમાં બેથી વધુ જોરદાર વિસ્ફોટ થયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ મેક્રોં જે હોટેલમાં રોકાયા હતા તે ફોર સિઝ્રન્સ હોટેલથી 12પ મીટર દૂર જ અનેક વિસ્ફોટક ઉપકરણ ફાટયા હતા. જો કે, એવા પણ અહેવાલ છે કે, આજે સવારે તેઓ હોટલથી શારાને મળવા માટે  રવાના થયા બાદ આ વિસ્ફોટ થયા હતા. ધડાકા બાદ આસપાસના વિસ્તાર સીલ કરી દેવાયા હતા. શ્રેણીબદ્ધ ધડાકામાં કમસે કમ 18 જણ ઘાયલ થયા છે. અલ શારાએ સત્તા સંભાળ્યા બાદ પશ્ચિમી દેશના પ્રથમ મોટા નેતા એવા મેક્રોંનો પ્રવાસ યથાવત્ છે અને શ્રેણીબદ્ધ ધડાકા બાદ  પણ તેઓ શારાને મળ્યા હતા. શારા સાથેની બેઠક બાદ તેઓ નાટો શિખર સંમેલન માટે  તુર્કીની રાજધાની અંકારા જવાના છે. ઉલ્લેખનીય છે  કે, થોડા દિવસ પહેલાં દમાસ્ક્સની જસ્ટિસ હોટેલ પાસેના એક કાફેમાં થયેલા ધડાકામાં કમસે કમ દસ જણ માર્યા ગયા હતા અને વીસ ઘવાયા હતા. સીરિયાના મીડિયાનાં અહેવાલો અનુસાર રાજધાનીના મધ્ય વિસ્તારમાં બે જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઊઠતા જોવા મળ્યાં હતાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વાહનમાં આગ લાગેલી જોવા મળે છે, જ્યારે રસ્તા પર લોહીના ડાઘ પણ સ્પષ્ટ દેખાય છે. જોકે હજુ સુધી આ વિસ્ફોટોમાં કેટલા લોકોના મૃત્યુ થયા અથવા કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અત્યાર સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.  

Panchang

dd