ગાંધીધામ, તા. 7 : અંતરજાળ-કિડાણા માર્ગ નજીક
ઊભા રહીને લોકો પાસેથી આંકડો લેનાર શખ્સની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા. 11,630 જપ્ત કર્યા હતા. લાંબા સમય
બાદ આંકડાના બનાવમાં મુખ્ય સૂત્રધારનું નામ બહાર આવ્યું છે. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની
એક ટીમ ગઇકાલે અંતરજાળ-કિડાણા રોડ પર માઉન્ટ લીટેરોની સ્કૂલ નજીક હતી. દરમ્યાન રોયલ
સિયા સોસાયટી તરફ જવાના રસ્તા સોસાયટીના બોર્ડ પાસે ઊભેલો મગન ઉર્ફે જીન્ગો સુમાર ધુવા
(મહેશ્વરી) નામનો શખ્સ મોબાઇલ વડે લોકો પાસેથી આંકડો લેતો હોવાની પૂર્વ બાતમી મળી હતી.
દરમ્યાન પોલીસ ત્યાં દોડી જઇ આ શખ્સને ઝડપી પાડયો હતો, તેની તપાસ કરાતાં મોબાઇલમાં ગૂગલ વેબ પેજમાં
ડી.પી. ઘોસ સટ્ટા માર્કેટ નામની વરલી મટકાનું પરિણામ દર્શાવતી એપ્લિકેશન ચાલુ હોવાનું
બહાર આવ્યું હતું. આ શખ્સ પોતે મોબાઇલ થકી લોકો પાસેથી આંકડા લઇ પેન વડે બુકમાં લખી
તે આંકડા પોતાના આકા એવા વસંત ડુંગરશી શાહ (રહે. લીલાશાહનગર)ને આપતો હતો. પકડાયેલા
શખ્સ પાસેથી રોકડ રૂા. 11,630 તથા
મોબાઇલ, પેન, બુક મળીને કુલ રૂા.
16,630નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
હાથમાં ન આવેલા વસંતને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.