• બુધવાર, 08 જુલાઈ, 2026

છત વાટિકા શોખ નહીં, પણ જરૂરિયાતનો વિષય

સુખપર (તા. ભુજ), તા. 7 : ગાયના સંવર્ધન અને સંરક્ષણના મહત્ત્વના વિષયને લઈને વિવિધ 18 આયામ સાથે સમગ્ર દેશમાં કાર્યરત ગૌસેવા ગતિવિધિના પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લાના એકમો દ્વારા `આપણી છત વાટિકા' હેઠળ પ્રશિક્ષણ વર્ગ નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર-નાની નાગલપર (અંજાર) અને બ્લૂ પર્લ ઇન્ટરનેશનલ-મિરજાપર (ભુજ) ખાતે યોજાયો હતો. છત વાટિકા-કિચન ગાર્ડનને શોખ નહીં પણ વર્તમાનની જરૂરિયાતનો વિષય બનાવતા સૂર વ્યક્ત કરાયો હતો. આ વિષયે વિવિધ સત્રોમાં છત વાટિકાનું મહત્ત્વ, જમીનને તૈયાર કરવાની પ્રાથમિક માહિતી, બિયારણનું વાવેતર કેવી રીતે કરવું, વિવિધ કંપોસ્ટ ખાતરો બનાવવાં, વાવેતર થયા પછી આવતી જીવાત અને રોગોનું દેશી પદ્ધતિથી નિયંત્રણ કરવું, કઈ ઋતુમાં કયાં શાકભાજીનું વાવેતર કરવું વગેરેની દરેક વિષયના નિષ્ણાત કાર્યકર્તા દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી. 121 લોકો જોડાયા હતા. ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક મેઘજીભાઈ હીરાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્ગોમાં વિભાગ સંયોજક પરબત ગોરસિયા, પ્રશિક્ષણ પ્રમુખ દિનેશ વાલાણી, જિલ્લા સંયોજક નવીન ભુડિયા સાથે દેવરાજ વરચંદ, અરાવિંદ સેંઘાણી, મૌલિક જોષી જોડાયા હતા. રૂપેશ ભુડિયાનો સહયોગ રહ્યો હતો.  નિર્વ્યસની વ્યક્તિને પણ કિડની, હૃદય, કેન્સર જેવી બીમારીનું મુખ્ય કારણ અનાજ-ફળ-શાકભાજીના વપરાતા રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધતો વપરાશ હોવાનું જણાવ્યું હતું અને ઘરઆંગણે અથવા અગાશી પર છત વાટિકા બનાવી રસાયણમુક્ત શાકભાજીના વાવેતર કરવા પર ભાર મુકાયો હતો. ખેડૂતો, ગૃહિણી ઉપરાંત ડોક્ટરો, શિક્ષકો, ઈજનેરો વિ. જોડાયા હતા અને સાત્ત્વિક પદ્ધતિની મૌખિક ઉપરાંત પ્રેક્ટિકલ માહિતીથી પ્રભાવિત થયા હતા. શિક્ષાર્થીઓ માટે 25 જેટલી જાતના દેશી બીજ વિતરણની વ્યવસ્થા કરાઈ હતી. આગામી સમયમાં આવા વર્ગો યોજાશે તેવું ગતિવિધિના પ્રચાર-પ્રસાર સંયોજક રામજી વેલાણીએ યાદીમાં જણાવ્યું હતું. 

Panchang

dd