અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
હાઈકોર્ટે એક મોટા ચુકાદામાં અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા ભુજના
અબ્બાસ સમેજા સહિત 38 દોષિતોને
ફટકારવામાં આવેલી ફાંસીની સજાને યથાવત્ રાખી છે. મંગળવારે હાઈકોર્ટમાં ચુસ્ત સુરક્ષા
બંદોબસ્ત વચ્ચે ખંડપીઠે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત્ ઠેરવતાં ઇન્ડિયન મુજાહિદ્દીનના
આતંકીઓ સહિતના 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની
સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન
કેદની સજા યથાવત્ રાખી હતી. આ સાથે જ સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાંથી પણ ફટકો પડ્યો
છે. જ્યારે વિસ્ફોટ કેસના પીડિતોના પરિવારને ન્યાય મળ્યાનો અહેસાસ થયો છે. અમદાવાદમાં
26 જુલાઈ, 2008માં 20 જેટલા સ્થળોએ 21 બ્લાસ્ટ કરાયા હતા જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં તેમજ
246થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઉપરાંત બે દિવસ બાદ સુરતમાંથી પણ બોમ્બ મળી આવ્યા હતા. અમદાવાદ અને સુરત ધડાકા કેસ
સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારની કન્ફર્મેશન અરજી તેમજ 49 દોષિતોની અરજી પર સુનાવણી હાથ
ધરાઈ હતી. હાઇકોર્ટના જજ જસ્ટિસ એ. વાય. કોગ્જે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે પોતાના
ચુકાદામાં બ્લાસ્ટ કેસના મૃતકોના આશ્રિતોને રૂા. 10 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત
થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર 31 માર્ચ, 2027 સુધીમાં ચૂકવવાનો પણ આદેશ આપ્યો
છે. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટના જજ જસ્ટિસ એ. આર. પટેલે વર્ષ 2022માં આપેલો ચુકાદો દેશના ન્યાયિક ઇતિહાસમાં નોંધપાત્ર માનવામાં
આવ્યો હતો, કારણ કે, એકસાથે 38 આરોપીઓને
ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓ પર ગત માર્ચ મહિનામાં દરરોજ
(ડે ટુ ડે બેઝિસ પર) સુનાવણી હાથ ધરવામાં આવી રહી હતી. આ વર્ષે જાન્યુઆરીથી કોર્ટમાં
પૂર્ણ સમય દરમિયાન સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઐતિહાસિક ચુકાદો આપવામાં
આવ્યો છે. આ કેસમાં ઈન્વેસ્ટિગેશન બાદ 100 લોકોનાં નામ ખુલ્યાં હતાં, જે પૈકી કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવામાં
આવી હતી. વર્ષ 2022માં વિશેષ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા
હતા, જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ
મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટનો
દરવાજો ખટખટાવ્યો હતો, જ્યારે દોષિતોએ
પણ સજા સામે અપીલ કરી હતી. ચુકાદાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં કડક
સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોર્ટમાં પ્રવેશતા દરેક મુલાકાતીની તપાસ કરવામાં
આવી હતી, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડને પણ તૈનાત કરાઈ
હતી. આ કેસમાં અમદાવાદ બ્લાસ્ટ અંગેની 20થી વધુ ફરિયાદો તથા સુરતમાં બોમ્બ મળ્યાની 15 જેટલી ફરિયાદો મળીને કુલ 35 ફરિયાદોને એકત્ર કરી ટ્રાયલ
ચલાવાવમાં આવી હતી. પ્રતિબંધિત આતંકી સંગઠન સીમીનો પૂર્વ નેતા સફદર નાગોરી બ્લાસ્ટ
કેસમાં દોષિત ઠર્યો હતો. આ કેસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તરપ્રદેશ
સહિત 11 રાજ્યોમાં દોષિતોનું કનેક્શન
મળી આવ્યું હતું. પાવાગઢના હાલોલમાં પણ આતંકીઓએ તાલીમ મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું
હતું. ટ્રાયલ કોર્ટે 49 આતંકીઓને
યુએપીએ, આઈપીસી, વિસ્ફોટક પદાર્થ
કાયદો અને જાહેર સંપત્તિને નુકસાન સહિતના ગુના હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તમામ દોષિતોને
હત્યા, હત્યાનો પ્રયાસ, ગુનાહિત ષડયંત્ર,
દેશવિરોધી પ્રવૃત્તિ તેમજ આતંકી પ્રવૃત્તિ બદલ સજા કરવામાં આવી હતી.
ટ્રાયલ દરમિયાન નવ જજ સમક્ષ 1,163 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં 26 સ્ટાર સાક્ષીઓ પણ હતા. સુરક્ષાના
કારણે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે આગળની કાનૂની
પ્રક્રિયા તરીકે દોષિતો પાસે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો
તેઓ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે તો ત્યાં આ કેસની વધુ સુનાવણી થશે. હાલ માટે ગુજરાત
હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને સંપૂર્ણ માન્યતા આપીને તેને યથાવત્ રાખ્યો છે.