• મંગળવાર, 21 એપ્રિલ, 2026

અમેરિકાએ જહાજ કબજે કરતાં ઈરાન ધૂંધવાયું

નવી દિલ્હી, તા. 20 : પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની બીજા તબક્કાની વાતચીતની બરાબર પહેલાં જ ફરીથી બંને દેશ વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના હિસાબે વાટાઘાટ શરૂ થયા પહેલાં જ વિફળ થવાની આશંકા ઊભી થઈ છે. દરમ્યાન, એકતરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે, આજે રાત્રે પાકિસ્તાનમાં ઈરાન સાથે સમજૂતી પર હસ્તાક્ષર થશે. બીજીતરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું હતું કે, અમેરિકા દબાણ લાવવાની કોશિશ કરે છે, પરંતુ અમે ઝૂકવાના નથી. નાકાબંદી નહીં હટે, ત્યાં સુધી વાતચીત મુશ્કેલ છે. કમસે કમ યુદ્ધવિરામ લંબાવાય તેવી આશા વાટાઘાટની અનિશ્ચિતતાથી ધૂંધળી બનતાં દુનિયામાં ફરી ઉચાટ વધ્યો છે. અમેરિકાએ હોર્મુઝમાં ઘેરાબંધી તોડવાનો આરોપ લગાવીને ઈરાનના એક તોસ્કા નામનાં જહાજ ઉપર હુમલો કરીને પોતાનાં કબજામાં લઈ લીધું છે. જેને પગલે રોષે ભરાયેલા ઈરાને અમેરિકા ઉપર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવીને તેનાં યુદ્ધ જહાજો ઉપર ડ્રોન હુમલો બોલાવી દીધો હતો. એકબાજુ અમેરિકી પ્રતિનિધિમંડળ આજે ઈસ્લામાબાદ પહોંચવાનું હતું, તો બીજીબાજુ તનાવ વધારતી અમેરિકાની કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ઈરાને વાટાઘાટમાં સામેલ થવા આનાકાની શરૂ કરી દીધી હતી. જેને પગલે હવે વાટાઘાટો થશે કે નહીં તે જ શંકાસ્પદ બની ગયું છે. ઈરાન સાથે વાટાઘાટ માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આજે ઈસ્લામાબાદ પહોંચવાનું હતું એ પહેલાં જ ઓમાનની ખાડીમાંથી શાંતિની સંભાવના સામે સંશય પેદા કરતાં સમાચાર આવ્યા હતા. એક ઈરાની માલવાહક જહાજ ઉપર હુમલો કરીને અમેરિકી દળોએ તેને બાનમાં લઈ લીધું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની ઘોષણા સોશિયલ મીડિયા ઉપર કરી હતી. આ ઘટના બાદ ઈરાન બરાબર ઉશ્કેરાઈ ગયું હતું અને ઓમાનની ખાડીમાં તૈનાત અમેરિકી યુદ્ધ જહાજોને નિશાન બનાવીને તાબડતોબ ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતાં. ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બન્ને દેશ વચ્ચે 7 એપ્રિલે પાકિસ્તાનની મધ્યસ્થતામાં યુદ્ધવિરામ ઘોષિત કરવામાં આવેલું અને તેની અવધિ 22મી એપ્રિલે પૂર્ણ થવાની છે, તે પહેલાં બંને દેશ વચ્ચે વાટાઘાટનો તખતો તૈયાર થયો હતો, પણ હવે અમેરિકાનાં આ પગલાં બાદ ફરીથી ઈરાન આ વાટાઘાટમાં સામેલ થવા માટે આનાકાની કરવાં માંડયું છે. વાટાઘાટમાં જોડાવાનો ઈન્કાર કર્યા અગાઉ ઈરાને પાક.ને પોતાનો 10 સૂત્રીય પ્રસ્તાવ પણ આપેલો. જેના ઉપર તે અમેરિકા સાથે વાટાઘાટમાં સામેલ થઈને ચર્ચા કરવાં માગતું હતું. જો કે, અમેરિકા તરફથી ઈરાની જહાજ ઉપર કબજો કરીને આખી બાજી બગાડી નાખવામાં આવી છે. ઈરાને અમેરિકા ઉપર અવિશ્વાસ વ્યક્ત કરીને વાતચીતમાં સામેલ થવાનો ઈન્કાર કરી દેતા પાક.નાં સેના પ્રમુખ આસીમ મુનીરને પરસેવો વળી ગયો છે. તેમણે તાત્કાલિક ટ્રમ્પ સાથે ફોન ઉપર વાત કરી હતી અને તેમને સ્થિતિથી અવગત કર્યા હતા, જેમાં મુનીરે ટ્રમ્પને જણાવ્યું હતું કે, અમેરિકી નૌસેના દ્વારા ઈરાની બંદરોની ઘેરાબંધી હવે વાટાઘાટ માટે સૌથી મોટો અવરોધ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે 29 ફેબ્રુઆરીએ ઈરાન ઉપર હુમલા કરીને યુદ્ધનો આગાઝ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનાં કારણે ઈરાનમાં કમસે કમ 3375 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં 2875 પુરુષ અને 496 મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમાં 383 બાળક પણ સામેલ છે. જો કે, આ મૃત્યુઆંકમાં કેટલા સૈનિકો અને કેટલા નાગરિકો હતા તેનું કોઈ વિવરણ ઈરાન તરફથી આપવામાં આવ્યું નથી.

Panchang

dd