ગાંધીધામ / ભુજ, તા. 20 : અંજારના અજાપરમાં
આવેલી કંપનીમાં કામ કરતી વેળાએ પવનચક્કીનો સામાન પડતાં ઈજાઓનાં કારણે સંજય દિલીપ પ્રજાપતિ
(ઉ.વ. 24) નામના શ્રમિકે જીવ ખોયો હતો. જ્યારે મૂળ રાજસ્થાનના
હાલે ભુજના સ્વામિનારાયણ મંદિર અંદર હરિકૃષ્ણ ગેસ્ટ હાઉસમાં રહેતા 22 વર્ષીય યુવાન શિવમ ઉર્ફે શિવલાલ પબુભાઈ આદિવાલે આજે
ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અજાપરની ડી ફેબ્રિક નામની કંપનીમાં ગઈકાલે બપોરે
જીવલેણ બનાવ બન્યો હતો. આ કંપનીમાં કામ કરનાર સંજય નામનો યુવાન કંપનીમાં બપોરે કામ
કરી રહ્યો હતો, દરમ્યાન કોઈ કારણે
પવનચક્કીનો સામાન તેની ઉપર પડતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે
તેને લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી
છે. કંપનીઓમાં સમયાંતરે શ્રમિકોનાં મોતને પગલે ફરીથી તેમની સુરક્ષાનો મુદ્દો સપાટી
ઉપર આવ્યો હતો. બીજીબાજુ મૂળ ધાણેરાવ તા. દેહસુર, જિ. પાલી,
રાજસ્થાનનો યુવાન શિવમ ઉર્ફે શિવલાલ આદિવાલ કામસર હાલ ભુજના સ્વામિનારાયણ
મંદિર અંદર આવેલા હરિકૃષ્ણ ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. આજે સવારે 10 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર હરિકૃષ્ણ ગેસ્ટ
હાઉસમાં રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતાં તેને સારવાર અર્થે જી.કે. જનરલ
હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. એ-ડિવિઝન પોલીસ મથકે
વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી તજવીજ આદરી છે.