ગાંધીધામ, તા. 20 : શહેરના કાર્ગો વિસ્તારમાં
ટી.વી., વાસણ વેચી દેવા મુદે ઠપકો આપવા જતાં
ઉશ્કેરાયેલા શખ્સોએ પાઈપ, કોષ વડે મરણતોલ હુમલો કરતા યુવાનનું
મોત થયું હતું. નવ વર્ષ પહેલાના આ કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
હતી. શહેરના કાર્ગો વિસ્તારમાં વર્ષ 2016માં
હત્યાનો આ બનાવ બન્યો હતો. લાભુ ભીખુ દેવીપૂજક અને બચુ કારા દેવીપૂજક નામના શખ્સોએ
ફરિયાદો એવા ગીતાબેન શ્રણ દેવીપૂજકના વાસણો અને ટી.વી. વેંચી માર્યા હતા. જે અંગે આ
મહિલાએ પોતાના રાજુ દેવીપૂજકને જાણ કરી હતી જેથી આ બન્ને આરોપીઓ પાસેથી વાસણો, ટી.વી. પરત લેવા ગયા હતા. આ વાતનું
મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીના પતિ શ્રવણ ઉપર પાઈપ અને લોખંડની કોષ વડે ઘાતક હુમલો
કરી આ યુવાનનું ઢીમ ઢાળી નાખ્યું હતું. જે અંગે તા. 14/5/2016ના બિ-ડિવિઝન પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી બન્ને આરોપીઓને પકડી પાડયા હતા તેમના વિરુદ્ધ પુરતા પુરાવા હોવાથી
બન્ને સામે આહીંની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ અહીં સેશન્સ કોર્ટમાં
ચાલી ગયો હતો. જેમાં બન્ને પક્ષોની રજૂઆતો,
દલિલો સાંભળવા અને દસ્તાવેજો, પુરાવાઓને ધ્યાને
લઈ ન્યાયાધિશ એ. એમ. મેમણે આરોપીઓના બચુ કારા દેવીપૂજકને નકસીવાન ઠેરવ્યો હતો અને તેને
આજીવન સખત કારાવાસ તથા રૂા. 5000નો
દંડ અને દંડ ન ભરે તો વધુ 3 મસની સાદી કેદનો ચુકાદો
સંભળાવ્યો હતો. તેમજ લાભુ ભીખુ દેવીપૂજકને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કરાયો
હતો. ચુકાદા દ્વારા ન્યાયાલયએ સમાજમાં કાયદાનો ડર જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો છે. આ
કેસમાં સરકારી વકીલ (એ.જી.પી.) કુ. હિતેષી પી. ગઢવી હાજર રહી ધારદાર દલિલો રજૂ કરી
હતી.