નવી દિલ્હી, તા. 5 : ભારતના
બહુચર્ચિત પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વચ્ચે ફળદાયી શિખર મંત્રણા થઈ હતી અને બંને દેશ વચ્ચે ઊર્જા, શ્રમ અને આરોગ્ય સહિતના
મહત્ત્વના કરાર થયા હતા. બંને દેશે દ્વિપક્ષી વ્યાપાર 2030 સુધી
100 અબજ
ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધાર્યું છે. અલબત્ત, પુતિનની આ મુલાકાત
દરમ્યાન જેની રાહ જોવાતી હતી એ સંરક્ષણની અદ્યતન મિસાઈલ સિસ્ટમ સહિતની સમજૂતી થઈ
નહોતી. પુતિન સાથે બેઠક દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને રૂસની દોસ્તીને
ધ્રુવ તારા જેવી અટલ ગણાવી હતી. સાથે જ રશિયનો માટે 30 દિવસના
મફત ઈ-ટૂરિસ્ટ વિઝાની જાહેરાત કરી હતી. ભારત અને રશિયાએ પહેલગામ હુમલાને વખોડી
કાઢી ત્રાસવાદ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહીની હાકલ કરી હતી. ભારત અને રૂસ વચ્ચે
સમુદ્રી સહકાર અને પોલાર વોટર,
જહાજ નિર્માણ, શિક્ષણ સહયોગ, ખાતર, મીડિયા સહયોગ, કસ્ટમ અને
વાણિજ્ય, ખાદ્ય સુરક્ષાનાં ક્ષેત્રોમાં સમજૂતી થઈ હતી.
રાત્રે પુતિનનાં સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજન સમારોહનું આયોજન કરાયું
હતું. જૂના મિત્રો ભારત અને રૂસના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતી આ મુલાકાત દરમ્યાન
પુતિને કહ્યું હતું કે, માત્ર તેલ-ગેસના સોદા માટે ભારતનો
પ્રવાસ નથી, પણ અમે દરેક ક્ષેત્રમાં સહયોગ વધારવા ઈચ્છુક
છીએ. પુતિનની ભારતયાત્રા દરમિયાન ઈન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમનું આયોજન કરવામાં
આવ્યું હતું, જેમાં સંબોધન કરતાં પુતિને કહ્યું હતું કે,
તેઓનો ભારત પ્રવાસ તેલ, ગેસ ઉપર વાત કરવા કે
સોદો કરવા માટે નથી, પણ ભારત સાથે દરેક ક્ષેત્રમાં સંબંધ અને
વ્યાપાર વધારવા માગે છે. આ માટે જ બિઝનેસ ફોરમનું આયોજન થયું છે. રશિયાની કંપનીઓ
ભારત પાસેથી વિવિધ પ્રકારના સામાનની ખરીદી કરવા તૈયાર છે. પુતિને પોતાના સંબોધનમાં
પી.એમ. મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ભારતના આર્થિક વિકાસને પણ વખાણ્યો
હતો, જ્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે, ટેક્સટાઈલ, ઈવી ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ
ક્ષેત્ર વગેરેમાં ભારત-રશિયા વચ્ચે મહત્ત્વની તક છે, જેનો
ઉપયોગ કરીને દ્વિપક્ષીય વ્યાપાર વધારી શકાય તેમ છે. વધુમાં પર્યટન પણ તેમાં
મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારત-રશિયા શિખર
વાર્તા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પી.એમ. મોદી ઈન્ડિયા-રૂસ
બિઝનેસ ફોરમમાં પહોંચ્યા હતા, જેમાં વ્લાદિમીર પુતિને પોતાના
સંબોધનમાં કહ્યું હતું કે, તેમની ટીમ માત્ર તેલ અને ગેસ ઉપર
વાત કરવા કે સોદો કરવા માટે ભારત નથી આવી. રશિયા ભારત સાથે દરેક ક્ષેત્રમાં સંબંધ
અને વ્યાપાર વધારવા માગે છે. પુતિન અનુસાર પી.એમ. મોદીએ ઘણી વખત વાતચીતમાં કહ્યું
છે કે, ભારતનાં ઘણા ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ છે. જો કે,
બન્ને દેશે તેનો પૂરો ફાયદો હજી સુધી લીધો નથી. આ જ કારણે બિઝનેસ
ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બન્ને દેશ નવાં
ક્ષેત્રમાં ભાગીદારી વધારી શકે અને તકનો વધુ ઉપયોગ કરી શકે. પુતિને પી.એમ. મોદીની
નીતિઓની સરાહના કરતાં કહ્યું હતું કે, મોદીનાં નેતૃત્વમાં
ભારત પૂરી રીતે સ્વતંત્ર અને સ્વાયત્તનીતિ અપનાવી રહ્યું છે અને તેનાં સારાં
પરિણામ પણ આવી રહ્યાં છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થામાં
સામેલ છે. તેમણે મેક ઈન ઈન્ડિયા જેવી પહેલને ભારતની આર્થિક સફળતાનું મોટું કારણ
ગણાવ્યું હતું. પુતિને કહ્યું હતું કે, આ નીતિઓનાં કારણે
ભારત ટેકનિકલ રૂપે આત્મનિર્ભર બની રહ્યું છે અને આઈ.ટી. તેમજ દવા ઉદ્યોગમાં ભારત
દુનિયામાં અગ્રણી સ્થાને પહોંચી ચૂક્યું છે. પુતિને આગળ કહ્યું હતું કે, રશિયા અને ભારત લાંબા સમયથી વિશ્વાસપાત્ર વેપારી ભાગીદાર છે. ફોરમને
સંબોધિત કરતાં પી.એમ. મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ
વ્લાદિમીર પુતિનનાં મોટાં પ્રતિનિધિમંડળ સાથે ભારત આવવું મહત્ત્વપુર્ણ પહેલ છે.
મોદીએ પુતિનનો અભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારત અને
યુરેશિયન ઈકોનોમિક યુનિયન વચ્ચે એફટીએ ઉપર વાતચીત શરૂ થઈ ચૂકી છે. બિઝનેસ હોય કે
કુટનીતિ, દરેક ભાગીદારીનો પાયો વિશ્વાસ હોય છે. આ ભરોસો
ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે,
જે બન્ને દેશના સંયુક્ત પ્રયાસોને ગતિ અને દિશા આપે છે. મોદીએ
કહ્યું હતું કે, તેમણે અને પુતિને દ્વિપક્ષીય વ્યાપારને 2030 સુધીમાં
100 અબજ
ડોલરથી ઉપર લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. બન્ને દેશ વચ્ચે ટેરિફ અને નોન-ટેરિફ
વિઘ્નેને ઝડપથી ઘટાડવામાં આવી રહ્યા છે,
જેનાથી વ્યાપાર અને રોકાણનો રસ્તો સરળ બનશે. 11 વર્ષમાં
ભારતમાં ઝડપી બદલાવ થયા છે. રિફોર્મ,
પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સિદ્ધાંત ઉપર ચાલતા ભારત દુનિયાની
ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતે ડિફેન્સ
અને સ્પેસ સેક્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યા છે, જેનાથી નવી
તક પેદા થઈ છે. આવી રીતે સિવિલ ન્યૂક્લિયર ક્ષેત્રમાં પણ ખાનગી ભાગીદારીના દરવાજા
ખોલવામાં આવી રહ્યા છે. આ માત્ર પ્રશાસનિક સુધાર નહીં, પણ
વિચારમાં બદલાવ છે. આ સુધારાનું લક્ષ્ય વિકસિત ભારત બનાવવાનું છે.