ગાંધીધામ, તા. 5 : અંજારના
વરસામેડીમાં બાગેશ્રી નગર-3માં બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ
હતી, જેમાં
બંને પરિવારનાં ઘરોમાં તોડફોડ કરી લૂંટ ચલાવાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વરસામેડી બાગેશ્રીનગર-3માં રહેનાર નયનાબેન ઉર્ફે ચકી
વેલજી પ્રજાપતિએ સૌરભ ઝા તથા વિષ્ણુ ઝા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલાના
પતિના અવસાન બાદ તે ઈબ્રાહિમ હુસેન કકલ સાથે રહે છે. ગત તા.4-12ના
ફરિયાદી મહિલા, તેનો ભાઈ જયેશ, દીકરી વંદના અને જમાઈ અરમાન તેમના
ઘરે હતા ત્યારે સૌરભ ઝા અને ઈબ્રાહિમ આવતાં મહિલાએ તું ઈબ્રાહિમને બગાડશ તેવું
કહેતાં સૌરભ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાંનો ધોકો ઉપાડી જયેશને માર માર્યો હતો.
બાદમાં અરમાન ઘરે હતો અને બીજા બધા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પાછળથી સૌરભ તથા વિષ્ણુ તેના ઘરે આવી સામાનમાં તોડફોડ કરી રૂા. 25,000નું
નુકસાન કર્યું હતું તથા મહિલાના આ જમાઈને માર મારી તેની પાસેથી રૂા. 2500ની
લૂંટ ચલાવી હતી. બીજી બાજુ વિષ્ણુ રાજેન્દ્ર ઝાએ અરમાન મહોમસ શેખ, ઈબ્રાહિમ કકલ, નયના ઉર્ફે ચકી પ્રજાપતિ સામે કેસ કર્યો હતો. ફરિયાદી પોતાની દુકાને હતા
ત્યારે તેમની દીકરીએ ફોન કરતાં તે ઘરે ગયા હતા, જ્યાં સૌરભ
સોસાયટીમાં બેઠો હતો, ત્યારે ચકી સાથેના ઝઘડાનું મનદુ:ખ રાખી
અરમાને ધારિયા વડે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઘવાયેલા યુવાનને સારવાર
અર્થે લઈ જવાયો હતો. ફરિયાદી, તેના પત્ની હોસ્પિટલ હતા,
ત્યારે આરોપીએ તેમના ઘરે જઈ તોડફોડ કરી રૂા. 35,000નું
નુકસાન કર્યું હતું અને ફરિયાદીની દીકરી પાસેથી રૂા. 5000ના
મોબાઈલની લૂંટ કરી હતી. આ બનાવમાં ઘવાયેલા યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી
હતી. બંને બનાવોમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.