નવી દિલ્હી, તા. 5 : મોંઘવારીનો
માર ખમીને માંડ માંડ જીવતા દેશના સામાન્ય માણસના થોડા પૈસા બચાવીને રાહત આપે તેવા
સમાચારમાં આવનારા દિવસોમાં લોન સસ્તી થશે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ
શુક્રવારે રેપોદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે
વ્યાજદર 5.25 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય બેન્કની
આર્થિકનીતિ સમિતિની ત્રણ દિવસ ચાલેલી બેઠકના અંતે લેવાયેલા આ સકારાત્મક ફેંસલાની
જાણકારી આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. રિઝર્વ બેન્ક જે દરે બેન્કોને
લોન આપે છે, તે
રેપોદર કહેવાય છે. આરબીઆઇ દર ઘટાડે તો
સસ્તા દરે લોન મેળવી શકતી બેન્કો એ ફાયદાને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આજના
રેપોદરમાં 0.25 ટકા ઘટાડાના નિર્ણય બાદ 20 વર્ષ
માટે 20 લાખની લોન લીધી હોય તો દર મહિને હપ્તામાં 310 રૂપિયાની
રાહત મળશે. આ હિસાબે 20 લાખની લોન પર 70 હજાર
રૂપિયા જેટલી રાહત ગ્રાહકોને મળી શકશે. નવા તેમજ અગાઉથી જેમની લોન ચાલુ છે તે તમામ
ગ્રાહકને આ ઘટાડાનો લાભ મળશે. ચાલુ વર્ષમાં કુલ ચાર વખત રેપોદર કાપ સાથે કુલ 1.25 ટકાનો
ઘટાડો થયો છે. વ્યાજદરમાં ઘટાડાનાં પગલે ઘરોની માંગ વધતા રિયલ એસ્ટેટ ક્ષેત્રને
પીઠબળ મળશે.