વિથોણ, તા. 5 : ટેકાના
ભાવે કપાસની ખરીદી ચાલુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. નખત્રાણા તાલુકાની
એકમાત્ર કોટન મિલમાં કપાસની ખરીદી જે સરકારે જાહેર કરી છે, તે મુજબ ટેકાનો ભાવ
પ્રતિમણ 40 કિલાના 3224ના ભાવે ખરીદીનો આરંભ કરાયો છે.
અગાઉ ખેડૂતો 3850 રૂા. પ્રતિમણના ભાવે આપવા મજબૂર હતા.
સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતાં ખેડૂતોને
374 રૂા. પ્રતિમણે ફાયદો થઇ રહ્યો છે. પંથકના
ધરતીપુત્રો ખેતી પાકનું રક્ષણ કરવામાં વ્યસ્ત છે. જંગલી જાનવરોમાં રાની પશુ
(સુવર)નો મોટો ત્રાસ છે. દિવસે રઝળતાં પશુઓ અને રાત્રે સુવરોથી ખેડૂતોને હાલાકી
વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી પેદાશોનાં વાવેતર સમયે
પાકના ભાવ ઊંચા હોય છે, પરંતુ પાક તૈયાર થાય ત્યારે ભાવ એકદમ નીચા આવી જાય છે. ઓછા ભાવ મળતા
હોવાના કારણે ખેડૂતોએ ધાન્ય પેદાશોથી મોઢું ફેરવી લીધું છે. એક સમયે કપાસનો ભાવ 4000 રૂા.
પ્રતિમણ પહોંચી ગયો હતો. અત્યારે કપાસનો ભાવ ત્રણ હજાર સુધી સીમિત રહી ગયો છે.
તેમાં કપાસ વીણવાની મજૂરી અને વેચતી વખતે ભેજ છે તેવું કહીને વેપારીઓ કડદો બાદ કરે
છે. અત્યારે પંથકમાં માત્ર એક જ મિલ છે,
જે ખેડૂતો માટે ઉપયોગી તો છે જ, પણ ખેડૂતોને
ધાર્યા ભાવ મળતા નથી. કોટન મિલનો એક જ ફાયદો છે કે, ખેડૂતોને
જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે બે-ચાર મણ કપાસ વેચીને દૈનિક વ્યવહાર સાચવી લેતા
હોય છે.