અમદાવાદ, તા. 5 (અમારા
પ્રતિનિધિ તરફથી) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)
ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની
આગામી બોર્ડ પરીક્ષામાં ચોથી માર્ચે ધૂળેટીની જાહેર રજાના દિવસે પરીક્ષાઓ ગોઠવી
ગંભીર છબરડો કર્યાને પગલે હોબાળો સર્જાયા બાદ બોર્ડે પોતાની આ ભૂલ સુધારીને
ધૂળેટીની રજા સામે નવી તારીખ જાહેર કરી હતી. તે અનુસાર ધો. 10ના એક
વિષયની પરીક્ષા જે 4 માર્ચના યોજાવાની હતી,
તે હવે 17 અને 18 માર્ચ, 2026ના યોજાશે. જ્યારે ધો. 12 સામાન્ય
પ્રવાહની પરીક્ષાઓ 18 માર્ચના,
જ્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સંસ્કૃત પ્રથમા અને
મધ્યમાની પરીક્ષા 16 માર્ચ 2026ના
લેવામાં આવશે. વધુ વિગત માટે બોર્ડની વેબસાઇટ જોવાની ઉમેદવારોને વિનંતી કરવામાં
આવી છે. આ અગાઉ, બહાર પડાયેલા સમયપત્રકમાં રજાના દિવસે 4 માર્ચે
બોર્ડ દ્વારા ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું બોર્ડ પેપર, ધોરણ 12 (સામાન્ય
પ્રવાહ)માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વોનું પેપર તથા ધોરણ 12 (વિજ્ઞાન
પ્રવાહ)માં જીવ વિજ્ઞાનનું પેપર રખાતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં મુકાયા
હતા. મળતી માહિતી અનુસાર, બોર્ડે પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરતા પહેલાં જાહેર રજાની યાદી પર ધ્યાન
ન આપ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિણામે ધૂળેટી જેવા તહેવારની રજાના દિવસે
બોર્ડની પરીક્ષા રખાઈ છે.