વિશાખાપટ્ટનમ, તા. પ : દક્ષિણ આફ્રિકા
સામેની ત્રીજી અને નિર્ણાયક વન ડે દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી
પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે. વર્તમાન શ્રેણીમાં કોહલીનાં બેટમાંથી રનનો
ધોધ વહી રહ્યો છે. તે રાંચી અને રાયપુરમાં ઉપરાઉપરી સદી કરી ચૂક્યો છે. હવે તેની
પાસે સતત ત્રીજી વન ડે મેચમાં સદી ફટકારવાની તક છે. જો તે સફળ રહેશે, તો આ ઉપસિદ્ધિ હાંસલ કરનારો ભારતનો પહેલો ક્રિકેટર બની જશે. આ ઉપરાંત
ત્રીજી વન ડેમાં સદી થશે, તો કોહલી દ. આફ્રિકા સામે સતત ચાર
સદી કરનારો વિશ્વનો પહેલો બેટધર બની જશે. કોહલીએ 2023 વન
ડે વિશ્વ કપમાં પણ આફ્રિકા સામે સદી કરી હતી. જ્યારે રોહિત-વિરાટ જો શતકીય
ભાગીદારી કરશે, તો વન ડેમાં 100 કે તેથી વધુ રનની ભાગીદારી
કરનારી જોડીની સૂચિમાં બીજા સ્થાને આવી જશે. હાલ કોહલી-રોહિતની જોડી શ્રીલંકાના
સંગકારા-જયવર્ધને સાથે 20-20 શતકીય ભાગીદારી સાથે બીજા નંબર
પર છે. આ સૂચિમાં તેંડુલકર-ગાંગુલી 26 શતકીય ભાગીદારી સાથે ટોચ પર છે.