• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

રાજડા ડેમ ખેડૂતો-પશુ-પક્ષીઓ માટે જીવાદોરી સમાન

કોડાય (તા. માંડવી), તા. 5 : માંડવી તાલુકાનો રાજડા ટેકરી ડેમ રાજાશાહી વખતથી છેક વિજયવિલાસ સુધી ખેતી માટે જીવાદોરી સમાન છે, જેની કેનાલનો ધર રાજડા ટેકરીના મહંત અર્જુનનાથ બાપુના હાથે ખુલ્લો મૂકી કેનાલમાં પાણી વહેતું કરાયું હતું. રાજડા ડેમના કમાન્ડ એરિયામાં આવતાં ગામોને શિયાળુ પાક સિંચાઈ માટે આ પાણી ઉપયોગી બની રહેશે. કેનાલના ધરને શાસ્ત્રોક્તવિધિ સાથે ખુલ્લો મૂકતા મહંત અર્જુનનાથ બાપુએ ખેડૂતોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અને `જળ એ જ જીવન છે' આ ઉક્તિને સાર્થક કરી પાણીની મહત્ત્વતા સમજાવી ભવિષ્યમાં પણ રાજડા ડેમ મારફતે વિસ્તારની ખેતી વધુ સમૃદ્ધ બને તેવા શુભાશિષ પાઠવ્યા હતા. તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ઉત્કર્ષ માટે ભવિષ્યમાં નર્મદા નીરથી આ ડેમ ભરવામાં આવશે, જેની પણ બારેમાસ તેનો લાભ ખેડૂતોને મળી રહેશે અને રાજાશાહી ડેમનો વિકાસ સરકાર દ્વારા થશે એવી આશા વ્યક્ત કરી હતી. રાજડા ડેમ પાણી સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાએ જણાવ્યું હતું. રાજાશાહીના ડેમને વિકાસ માટે સમિતિ સતત પ્રયત્નશીલ છે. મહંત અર્જુનનાથ બાપુની સમિતિ વતી ભાવવંદના કરવામાં આવી હતી. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શુભેચ્છા પાઠવી હતી, આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, દેવાયત લખમણ (આતુભા), ગલુભાઈ ગઢવી, બાબુભાઈ ગઢવી, શિવજીભાઈ હાલાઈ, કાનજીભાઈ ખોખાણી, નાનજીભાઈ પટેલ, શંભુદાનભાઈ ગઢવી, રમેશ રબારી, છગનભાઈ ભાનુશાલી, આશાભાઈ કાનાણી, જયેશ કેસરિયા, ધનરાજ લખમણ, વાલજી કટવા, દિનેશ બગડા, એ.કે. બકાલી, બાબુભાઈ ભાનુશાલી, હરિભાઈ કાનાણી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્તવિધિ ચેતનભાઇ મારાજ કરી હતી. સંચાલન દેવાંધભાઈ સાખરા અને આભારવિધિ અંબાલાલ પટેલે કરી હતી.

Panchang

dd