મોસ્કો, તા. 4 : પુતિનની
ભારત યાત્રા શરૂ થતાં પહેલા રશિયાએ ભારત સાથે આર્ક્ટિક-ક્લાસ જહાજોના સંયુક્ત
ઉત્પાદનનો પ્રસ્તાવ મૂક્યો છે. આ જહાજો 2-3 મીટર જાડા બરફ તોડીને ઉત્તરીય
સમુદ્રી માર્ગ પર આખું વર્ષ કામ કરી શકશે. ટેન્કર, એલએનજી કેરિયર્સ અને કન્ટેનર જહાજો
બનાવવામાં આવશે, જે ભારતને સસ્તા અને ઝડપી વેપાર માર્ગો અને
નવી ટેકનોલોજી પ્રદાન કરશે. આ બન્ને દેશ વચ્ચે એક નવું વ્યૂહાત્મક પગલું માનવામાં
આવે છે. સંરક્ષણ, ઊર્જા અને વેપાર ઉપરાંત આર્કટિક ક્ષેત્રમાં
જહાજ નિર્માણ ભારત અને રશિયા વચ્ચે સહકારનું એક નવું ક્ષેત્ર બની શકે છે. રશિયાના
પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ મન્ટુરોવે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે
આર્કટિક-ક્લાસ જહાજોનું સંયુક્ત ઉત્પાદન બંને દેશો વચ્ચે સહયોગને વધારી શકે છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ દરખાસ્ત ચર્ચાનો મુખ્ય
વિષય બની શકે છે.