ભુજ, તા. 5 : તાલુકાનાં
માધાપર ગામમાં આવેલાં યક્ષ મંદિર સામે આવેલાં મેદાનમાં પાર્ક કરાયેલી બે ગાડીમાં કોઇ
કારણે આગ લાગી હતી. જો કે, ફાયર શાખાને જાણ કરાતાં ટીમ તાત્કાલિક
ધસી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ ઘટનામાં બંને
વાહનમાં ભારે નુકસાન થયું હતું. આ બનાવથી લોકોમાં ભય ફેલાયો હતો. યક્ષ મંદિરના પાર્ટી
પ્લોટમાં શુક્રવારે કોઇ લગ્નપ્રસંગ હોવાથી બહાર રોડની સાઇડમાં મોટી સંખ્યામાં વાહનો
પાર્ક થયેલાં હતાં, તેવામાં ફટાકડાના કારણે કે, અન્ય કોઇ કારણે કચરામાં આગ લાગી હતી અને બાજુમાં જ ઊભેલી ગાડીઓ પૈકી એક ગાડીમાં
આગ લાગી હતી. જોતજોતાંમાં તેની બાજુમાં ઊભેલી બીજી ગાડી પણ આગની ઝપટમાં આવી હતી. પાર્ટી
પ્લોટમાં લગ્ન માણી રહેલાઓ બહાર આ બનાવથી અજાણ હતા, તેવામાં ત્રીજી
ગાડી પણ આગ લાગવાની અણી પર હતી, ત્યારે અગ્નિશમન દળ આવી પહોંચ્યું
હતું અને અન્ય વાહનમાલિકો પણ આવી જતાં અન્ય વાહનો બચી ગયા હતા. ભુજથી અગ્નિશમન દળની
બે ગાડી આવી પહોંચી હતી. માધાપર પોલીસ મથકની ટીમ પણ સ્થાનિકે ધસી આવી હતી.