ભુજ, તા. 5 : એસજીવીપી
ગુરુકુળ તથા સ્વાશ્રય ફાઈન્ડેશન-ભાવનગર દ્વારા અવસાન પામનારા ગફાર ઉનડના પરિવારને
રૂા. 2,00,000ની આર્થિક સહાયનો ચેક અર્પણ કરાયો હતો.
સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઉના તાલુકાના રેવદ ગામના ખેડૂત ગફાર
ઉનડનો મગફળીનો પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી. આ સમાચાર સ્વામિનારાયણ ગુરુકુળ
વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીજીને મળતાં તેમણે ગફારભાઈના
પરિવારની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી મુસ્લિમ ખેડૂત પરિવારને મદદ કરવાનો નિર્ણય
કર્યો હતો. મૃતકના પરિવારમાં એક પુત્ર અને ત્રણ પુત્રીમાંથી પુત્રીઓનાં લગ્ન
નજીકમાં હોવાથી કોમીએકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં ગુરુકુળ દ્રોણેશ્વરના સંતો
નરનારાયણ સ્વામી અને હરિપ્રિયદાસ સ્વામી સહિત સંસ્થાના અગ્રણીઓ રેવદ ગામની રૂબરૂ
મુલાકાતે જઈ મૃતક ખેડૂતના પુત્રને સહાયનો ચેક અર્પણ કર્યો હતો અને પરિવારને
સાંત્વના આપી દિલાસો પાઠવ્યો હતો. સ્વામીજીએ ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર
માનવસેવા સર્વોપરી ધર્મ ગણાવ્યો હતો. સંસ્થા દ્વારા સ્વામીજીએની પ્રેરણાથી
અતિવૃષ્ટિથી પીડિત ખેડૂત પરિવારના 108 સંતાનને દત્તક લઈ વિદ્યાસહાય
અર્પણ કરાઈ હતી.