કેન્દ્ર સરકારનાં કોઈ પણ પગલાંને
શંકાની નજરે જોઈને તેમાં વિરોધનો વિવાદ જગાવવામાં વિપક્ષ સતત ટાંકીને બેઠો હોય છે.
આવામાં મોબાઈલ-સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન ફરજિયાત કરવાના સરકારના
નિર્ણયે ભારે વિરોધ જગાવ્યો છે. સરકાર
દ્વારા મોબાઈલ ઉપયોગ કરનારાની સાયબર સલામતી માટે તૈયાર કરાયેલી આ ખાસ એપ તમામ
સ્માર્ટ ફોનમાં 90 દિવસની અંદર ઈન્સ્ટોલ કરવાનો તમામ સ્માર્ટ ફોન કંપનીઓને આદેશ
કર્યો છે. હવે રાજકીય રીતે અને ટેક્નોલોજીની રીતે સરકારનાં આ પગલાં સામે શંકા જાગી
છે અને આવું પગલું મોબાઈલ વપરાશકારોની જાસૂસી માટે હોવાનો આરોપ લાગી રહ્યો છે.
સરકારે આ સંચાર સાથી એપ અંગે એવું કારણ આપ્યું છે કે, આ એપ વડે મોબાઈલ
વપરાશકારોને છેતરપિંડીવાળા ફોન અને મેસેજની સામે ફરિયાદ કરવાની સાથોસાથ મોબાઈલની
ચોરીની જાણકારી મેળવવામાં મદદ મળી શકશે. સરકારે તેના આદેશમાં એમ પણ કહ્યંy છે કે, આ એપ મોબાઈલમાં એ રીતે
ઈન્સ્ટોલ કરાય કે તેને ડિલીટ કે રોકી શકાય નહીં. સરકારનો આ ઈરાદો પ્રથમ નજરે સાદો
અને પ્રામાણિક જણાય છે, પણ આ એપ ફોનની બાકીની સુવિધાઓ સુધી
પહોંચી શકે અને તેની કામગીરી સામે સ્વાભાવિક રીતે વિરોધ શરૂ થઈ ગયો છે. આમ તો
સંચાર સાથી એપ ઈન્ટરનેટના સર્ચ એન્જિનમાં અગાઉથી જ ઉપલબ્ધ છે, પણ તેનો ઉપયોગ અને ડાઉનલોડ સ્વૈચ્છિક રહ્યા છે. જો કે, નવા સરકારી આદેશમાં તેનું ડાઉનલોડ અનિવાર્ય બનાવાયું છે. સ્વાભાવિક રીતે
સરકારના આ પગલાં સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. વિપક્ષી દળોએ સરકાર નિજતાના અધિકારની
ઉપર તરાપ મારી રહી હોવાની અને જાસૂસી કરવા માગતી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
નિષ્ણાતો પણ આ એપની મોબાઈલની અન્ય ઉપયોગ સુધીની પહોંચને લઈને તેના ઉપયોગ અંગે શંકા
વ્યક્ત કરી રહ્યા છે. આ શંકા સાચી ઠરે તો ફોન વપરાશકારોના નિજતાના અધિકારનો છેદ
ઊડી જાય તેમ છે. ચોતરફથી સવાલ સામે આવતાં સરકાર તરફથી એવી સ્પષ્ટતા કરાઈ છે કે,
લોકો ઈચ્છે તો આ એપને ફોનમાંથી ડિલીટ કરી શકશે. આવું જ હોય તો પછી
સરકારને સંચાર સાથી ફરજિયાત કરવાનો આદેશ શા માટે આપવો પડયો છે. આમ સરકારનો આદેશ
અને તે પછી અપાયેલી સ્પષ્ટતા આખા મામલાને ગૂંચવી રહી છે. આધુનિક સમયમાં સાયબર
છેતરપિંડીને લગામ લગાવવાની તાતી જરૂરત છે. આવામાં સરકાર આવો કોઈ પ્રામાણિક પ્રયાસ
કરે તે આવકાર્ય બની રહે, પણ હાલના આદેશમાં વધુ પારદર્શકતા
હોવી અનિવાર્ય છે, પણ સંચાર સાથીના મામલામાં કરાઈ રહેલી
ઉતાવળે ઊભા કરેલા સવાલોએ આખા ઈરાદાની સામે સવાલ ખડો કર્યે છે. સરકારે આધુનિક
સમયમાં આવી સાયબર છેતરપિંડી સામે વધુ ભરોસાપાત્ર એવા ઉપાય શોધવા પર ધ્યાન આપીને
લોકોને ખરા અર્થમાં સલામતીની લાગણની પ્રતીતિ કરાવવી જોઈએ.