આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 4 : લોકસભામાં આજે હેલ્થ સેક્યુરિટી સે નેશનલ સેક્યુરિટી સેસ બિલ,2025 મૂકાયું હતું. આ ખરડાથી પાન-મસાલા ઉપર વધારાનો કર (સેસ) લાદીને આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ફંડ એકત્ર કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. અત્યારે તમાકુ અને તેની સાથે સંબંધીત વસ્તુઓ પર 28 ટકા જીએસટી ઉપરાંત સેસ વસૂલાય છે. ખરડામાં બિન ઉત્પાદિત તમાકુ પેદાશો પર 60થી 70 ટકા એકસાઇઝ ડયૂટીનો પ્રસ્તાવ છે. લોકસભામાં આ વિધેયક પ્રસ્તુત કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આ બિલ પાસ કરીને સરકાર આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નાણાકીય સ્રોત ઊભો કરવા માગે છે. સરકારે આ સેસ અન્ય કોઇ જીવનજરૂરી ચીજ વસ્તુઓ પર લાદવાનું નથી વિચાર્યું, માત્ર પાન મસાલા જેવી ચીજ વસ્તુ જે જીવનાવશ્યકની યાદીમાં નથી એના ઉપર લાદવાનું વિચાર્યું છે, એકત્ર થનારા ફંડમાંથી રાજ્યોની આરોગ્ય ક્ષેત્રની સ્કીમોને પણ ચોક્કસ રકમની મદદ કરવાનું લક્ષ્ય છે. પાન-મસાલાનું સેવન ન કરનારા સામાન્ય નાગરિકો પાસેથી વધારાનો કર (સેસ) વસૂલ્યા વગર દેશમાં જરૂરી આરોગ્ય યોજનાઓ માટે ફંડ એકઠું કરવાના હેતુથી આ બિલ તૈયાર કરાયું છે. સીતારામને જણાવ્યું હતું કે, પાન-મસાલા કોઇ જીવનજરૂરી વસ્તુ નથી, એમાં ઉપકર (સેસ) વસૂલવાથી એ પદાર્થો થોડા મોંઘા થશે, તેથી પાન-મસાલાનું સેવન કરનારાઓ પણ કદાચ એનું સેવન ઘટાડે અથવા બંધ કરી દે, તો તેમનો જ ફાયદો છે, કેમ કે પાન-મસાલા જેવી વસ્તુઓનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક છે. હેલ્થ સેક્યુરિટી સે નેશનલ સેક્યુરિટી સેસ બિલ પાસ થયા બાદ એની આવકમાંથી રાજ્યોને પણ જરૂરી કેટલીક આરોગ્ય યોજનાઓ માટે કેન્દ્ર તરફથી અમુક રકમ મળતી થશે. સીતારામને કહ્યું હતું કે, પાન-મસાલા પર હાલમાં 40 ટકા જીએસટી વસૂલાય છે અને આ બિલથી પાન-મસાલા ઉત્પાદક યુનિટ્સ (કંપનીઓ)ની ક્ષમતા પ્રમાણે ઉપકર (સેસ) પણ વસૂલાશે. આ સેસ વધારાથી કદાચ પાન-મસાલાનાં સેવન ઉપર અંકૂશ આવશે. સરકારને સેસની આવક થશે.