અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી)
: અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રાહુલ ગાંધીએ મોડી
સાંજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી
હતી. પ્રદેશ કોંગ્રેસની સંકલન સમિતિની આ બેઠકમાં રાહુલ ગાંધીએ કે.સી. વેણુગોપાલ અને
પ્રભારી મુકુલ વાસની હાજરીમાં પ્રદેશના તમામ મોટા નેતાઓની કામગીરીની સમીક્ષા કરી હતી
અને સંગઠન મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની વરણી અંગેની ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ
તમામ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને ટકોર કરી હતી કે,
આપણી લડાઈ ભાજપ સામે છે, અંદરોઅંદર નથી. ભાજપ સાથે હરીફાઇ કરવાની છે. સૂત્રો દ્વારા મળતી
માહિતી મુજબ, રાહુલ ગાંધીએ પ્રદેશના તમામ મોટા નેતાઓની જવાબદારી
નક્કી કરી કામગીરી સોંપવાની વાતને આગળ ધરી
હતી. તેમણે કહ્યું કે, 2027માં ભાજપને
હરાવવા નેતાઓને ટાસ્ક સોંપવામાં આવશે. યોગ્ય કામગીરી કરનારા નેતાઓને જ પ્રમોશન મળશે.
યોગ્ય જવાબદારી નહીં નિભાવનારા નેતાઓને કોઈ હોદ્દા નહીં મળે. માત્ર ચૂંટણી વખતે સક્રિય
થતા નેતાઓને ટિકિટ નહીં મળે. લોકોની વચ્ચે રહેનારા કાર્યકર કે નેતાઓને જ ઉમેદવાર બનાવાશે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, જે જિલ્લા પ્રમુખની કામગીરી સારી હશે તેને કોંગ્રેસની
સરકાર બનશે, તો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. આ સાથે જ દરેક
જિલ્લામાં કોંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી.