ગાંધીધામ, તા. 6 : પૂર્વ કચ્છ પોલીસે દારૂના ગુનામાં
સામેલ નામીચા તહોમતદારો સામે ગુજસીટોક તળે
ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. જિલ્લાભરમાં જુદા-જુદા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ
આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના
જુદા-જુદા પોલીસ મથકમાં આરોપી અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા (રહે. દરબાર ગઢ, ભચાઉ) વિરુદ્ધ પ્રોહિબિશનના કુલ 14 ગુના નોંધાયા હતા તેમજ અન્ય
આરોપી ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા (બાપુનગર, ભચાઉ) તથા
આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ નરેન્દ્રસિંહ જાડેજા (રહે. રામવાડી,
ભચાઉ) વિરુદ્ધ પ્રોહિબિશનના 12-12 ગુના નોંધાયા હતા.આ આરોપી અગાઉ
એકબીજાની સાથે મેળાપીપણુ કરી, ટોળકી
બનાવી, એકબીજાના સાગરિત બની તથા સંકલન રહી પોતાનો આર્થિક હેતુ
પાર પાડવાની પ્રવૃત્તિ સબબ સંગઠિત ગુનેગારોની
ટોળકી બનાવી ગુનાને અંજામ આપતા હતા. આરોપી સામે વિપુલ માત્રામાં દારૂનો જથ્થો રાખવા,
હેરફેર કરવા, આયાત-નિકાસ સહિતની ગેરપ્રવૃત્તિઓ
કરતા હતા. સરહદી રેન્જ વડા ભુજની વિશેષ મંજૂરી બાદ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ 2015ની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છના વિભિન્ન વિસ્તારમાં અસામાજિક તત્ત્વો
દ્વારા કનડગત કરાતી હોવાની કથિત ફરિયાદ અને
સમયાંતરે સપાટી ઉપર આવતા બનાવો વચ્ચે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા
માટે ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી.