તેલ અવીવ/તેહરાન, તા. 6 : મધ્યપૂર્વનું
મહાયુદ્ધ એક સપ્તાહ બાદ પણ ભીષણ રીતે જારી છે. ઇરાનમાં ઇઝરાયલ અને અમેરિકી દળોના હુમલાઓમાં
અત્યાર સુધી 1339 જણ માર્યા ગયા છે, તો ઇરાન પણ સતત યુએઇ, બહેરીન અને સાઉદી અરેબિયામાં અમેરિકી મથકો પર હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલના
આઈડીએફ દળોએ તેહરાન ઉપરાંત ઇસ્ફહાનમાં ભારે હુમલા કર્યા હતા. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇરાન સાથે કોઇ મંત્રણા નહીં
થાય. તે વિના શરતે શરણાગતિ સ્વીકારે તેમાં જ તેનું હિત છે. ત્યારપછી જ સમાધાન થશે.ઈરાન
શરત સ્વીકારે પછી જ સમજૂતી થશે અને પછી અમેરિકા તેના સાથી દેશો સાથે મળીને ઈરાનને વિનાશના
આરેથી બહાર લાવશે. આ વચ્ચે ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ ભારતના વિદેશમંત્રી
એસ. જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. ઇઝરાયલે રાતભર લેબેનોનમાં પણ હવાઇ હુમલા કર્યા
હતા. યુદ્ધનાં આજે સાતમા દિવસે પણ ઈરાને ઈઝરાયલ ઉપર 22 ઘાતક મિસાઈલોની ખેપ દાગી દીધી
હતી. આ ઉપરાંત કુવૈતમાં અમેરિકાનાં લશ્કરી મથક ઉપર પણ આત્મઘાતી ડ્રોનથી હુમલો બોલાવ્યો
હતો. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખોમેનીના પુત્રને તેમનો ઉત્તરાધિકારી
માનવાનો ઈન્કાર કર્યો છે. અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં કુલ
1339 લોકોનાં મૃત્યુ થયાં છે. આ
સિવાય ઈરાન શરણે થાય નહીંતર 1300 લોકો ઘવાયા છે. ઈરાનમાં 14 જેટલા મેડિકલ સેન્ટર અમેરિકા
અને ઈઝરાયલના હુમલાની ચપેટમાં આવી ગયા છે. ઈરાનમાં અનેક ઠેકાણે પાણી અને વીજળીના પુરવઠા
પણ ખોરવાઈ ગયા છે. ઈઝરાયલનો દાવો છે કે, ઈરાનમાં કુલ 300 મિસાઈલ લોન્ચરને
તબાહ કરી નાખવામાં આવ્યા છે, તો સામે
છેડે ઈરાનનો દાવો છે કે, કુવૈત, બહેરીન
અને યુએઈમાં 20 અમેરિકી સૈન્ય
મથકોમાં ભારે નુકસાન થયું છે. બહેરીનમાં રહેણાક વિસ્તારોમાં પણ ડ્રોન હુમલા થયા હતા.
ગુરુવારની રાતે પણ ઈરાનની રાજધાની તેહરાનમાં પ્રચંડ ધડાકા ગુંજતા રહ્યા હતા, જેમાં રહેણાક વિસ્તારોમાં પણ બોમ્બ ફાટયા હોવાનું
જાણવા મળે છે. ઈરાન ઉપરાંત ઈઝરાયલે લેબેનોનમાં પણ સૈન્ય આક્રમણ શરૂ કર્યું છે અને ઈઝરાયલનાં
યુદ્ધ વિમાનોએ લેબનોનનાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં અનેક ગામોને નિશાનમાં લીધા હતાં.
તો ઈરાને પણ ખાડી દેશો ઉપર ઈઝરાયલના પાટનગર તેલ અવીવને મિસાઈલ અને ડ્રોન હુમલાથી ધણધણતા
રાખ્યા છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે,
ઈરાન ધારણાં કરતાં વહેલું ધ્વસ્ત થઈ રહ્યું છે. તેમણે આગળ દાવો કર્યો
હતો કે, ઈરાન પાસે હવે કોઈ હવાઈ રક્ષા કે વાયુદળ બચ્યા નથી.