• શનિવાર, 07 માર્ચ, 2026

રશિયા પાસેથી કાચું તેલ ખરીદી શકશે ભારત

નવી દિલ્હી, તા. 6 : ભારતમાં  પેટ્રોલ અને ડીઝલના ભાવવધવાનું સંકટ હાલ ટળી ગયું છે. ઇરાન સાથે યુદ્ધનાં કારણે અમેરિકા તરફથી ભારતને રૂસી તેલ ખરીદીની શરતી છૂટ મળી ગઇ છે. આ છૂટ પર ભારતમાં રાજકીય ઘમસાણ સર્જાયું હતું. ભાજપ અને કોંગ્રેસે સામસામા પ્રહાર કર્યા હતા. અમેરિકી તિજોરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને  30 દિવસનો વિશેષ પરવાનો આપ્યો છે. આ છૂટનો લાભ ત્રીજી એપ્રિલ સુધી રહેશે. ભાજપે આ છૂટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તેલ કૂટનીતિની સફળતા લેખાવતાં કહ્યું હતું કે, `ભારત વિરોધી' રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોઢાં પર તમાચો છે. કેસરિયા પક્ષના પ્રવકતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેલની અછતના બોગસ સમાચારોથી દહેશત ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસે `મોદીરાજ' પર પ્રહાર કર્યા હતા. આજે દેશના નાગરિકો પૂછી રહ્યા છે કે, અમેરિકા કોણ છે ભારતને તેલ ખરીદીની છૂટ દેનાર, તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો હતો. ભારત એક સંપ્રભુ, સ્વતંત્ર દેશ છે. મોદીના નેતૃત્વવાળી સરકારે દેશને એવી સ્થિતિમાં પહોંચાડી દીધો છે, જેમાં ભારત ક્યાંથી તેલ ખરીદી શકશે, કયાંથી નહીં, તે અમેરિકા નક્કી કરે છે, તેવા પ્રહાર કોંગ્રેસે કર્યા હતા.અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેંટે શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ પગલું લેવાયું છે. ભારત અમેરિકાનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો સ્થિર રાખવા માટે આ છૂટ અપાઇ છે, તેવું તેમણે જણાવ્યું હતું. બેસેંટે જણાવ્યું હતું કે, ઇરાન વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદીની છૂટ અપાઇ છે. એવી આશા છે કે, આ છૂટ બાદ ભારત અમેરિકી તેલ ખરીદીમાં પણ તેજી લાવશે. આ ઉપાયથી વૈશ્વિક બજારમાં તેલની અછત નહીં થાય તેવું તેમણે  ઉમેર્યું હતું. જો કે, એક મોટી શરત એવી પણ છે કે, પાંચમી માર્ચ સુધી જહાજો પર લોડ થઇ ચૂકેલા રશિયાના કાચાં તેલની જ ડિલિવરી ભારતને કરી શકાશે. દરમ્યાન, ઇરાન યુદ્ધની અસર પર ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, અત્યારની અનિશ્ચિતતા અર્થવ્યવસ્થા પર સીધી અસર કરી શકે છે. 

Panchang

dd