• શનિવાર, 07 માર્ચ, 2026

રાયધણજરમાં એક કરોડની ખનિજચોરી ઝડપાઇ

નલિયા, તા 6 : કચ્છમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ કસવા માટે ભુજ (પશ્ચિમ) ખાણ ખનિજ વિભાગે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી અબડાસા તાલુકાના રાયધણજર વિસ્તારમાં ચાલતી મોટી ખનિજચોરી ઝડપી પાડી છે. માન્ય લીઝની આડમાં બેન્ટોનાઈટનું ગેરકાયદે ખનન કરી રહેલાં તત્ત્વો પર ત્રાટકીને તંત્રએ અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાત્રીની કચેરી દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે વહેલી પરોઢે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખનિજ માફિયાઓના બાતમીદારો સક્રિય હોવાથી તેમની નજરમાં ન આવવા માટે ખાણ ખનિજના અધિકારીઓએ મજૂરનો વેશ ધારણ કર્યો હતો અને ખાનગી બાઈક પર સવાર થઈને સ્થળ પર પહોંચી ગયા હતા. ઓચિંતા થયેલા આ હુમલાથી ખનિજચોરોમાં નાસભાગ મચી ગઈ હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન (છ 215) તેમજ બે વાહનો નંબર જી.જે.-12- સીવી-5022 અને જી.જે.-12-બીડબલ્યુ-5986 મળી આવ્યાં હતાં, જેને કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, રાયધણજરમાં આવેલી એક માન્ય લીઝની બાજુમાં જ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે મસમોટા ખાડા પાડીને ખનન કરવામાં આવી રહ્યું હતું. તંત્ર દ્વારા હાલમાં આ ખાડાઓની ચોકસાઈપૂર્વક માપણી હાથ ધરવામાં આવી રહી છે, જેના આધારે લાખો રૂપિયાનો દંડ ફટકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ અધિકારી ડી. એસ. બારિયાનાં માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર જિગર ઠક્કર અને ખુશાલી ગરવા સહિત માઇન્સ સુપરવાઈઝર આશિષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારિયા અને દર્શન જોશીએ આ સફળ કામગીરી પાર પાડી હતી. - હપ્તાખોરીના ખેલમાં તંત્રની કાર્યવાહી નામ માત્રની : અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા તાલુકામાં ખનિજચોરો હવે કાયદાના ડર વગર બેફામ બન્યા છે. રાત પડતાંની સાથે જ આ વિસ્તારોમાં ખનિજ માફિયાઓ માટે જાણે દિવસ ઊગ્યો હોય તેમ ગેરકાયદે ખનનનો ધમધમાટ શરૂ થઈ જાય છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખનિજ વિભાગ, પોલીસ અને રેવન્યૂ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને માસિક હપ્તા પહોંચતા હોવાથી માત્ર `નામ પૂરતી' જ રેડ કરવામાં આવે છે. જો કોઈ ગ્રામજન આ ચોરી સામે ફરિયાદ કરવાની હિંમત કરે તો તેમને ખનિજ માફિયાઓ દ્વારા ધાકધમકી આપી દબાવી દેવામાં આવે છે. જનતામાં એવી ચર્ચા છે કે, તંત્ર માત્ર નાના માછલાંઓને પકડીને સંતોષ માની રહ્યું છે, જ્યારે મોટા મગરમચ્છો હજુ પણ આઝાદ છે. આ વિસ્તારમાં ચાલતી હપ્તાખોરી અને મિલીભગતને સત્વરે ડામી કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી રહી છે. 

Panchang

dd