નવી દિલ્હી, તા. 27 : યુક્રેન સાથે
જારી લોહિયાળ યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાલુ વર્ષે ભારત પ્રવાસે
આવી રહ્યા છે. રુસી વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું
હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાતાર ત્રીજીવાર
વડાપ્રધાન બન્યા પછી રશિયાની પોતાની પહેલી વિદેસયાત્રા કરી હતી, હવે અમારો વારો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત સરકારનું આમંત્રણ સ્વીકારી
લીધું છે. પુતિન છેલ્લીવાર છ ડિસેમ્બર, 2021ના દિવસે ભારત આવ્યા હતા ત્યારે માત્ર ચાર કલાક રોકાયા હતા.
રશિયાની આંતરરાષ્ટ્રીય બાબતોની પરિષદ દ્વારા
યોજિત `રશિયા અને ભારત એક નવા દ્વિપક્ષીય એજન્ડા
તરફ' શિખર મંત્રણા દરમ્યાન લાવરોવે આ માહિતી આપી
હતી. પુતિન 2021માં આવ્યા
ત્યારે બે દેશ વચ્ચે 28 સમજૂતી કરાર
થયા હતા. બન્ને દેશોએ 2025 સુધી 30 અબજ ડોલર (બેલાખ 53 હજાર કરોડ રૂપિયા) વાર્ષિક
વ્યાપારનું લક્ષ્ય રાખ્યું હતું ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પ્રથમ ભારતયાત્રા હશે.
હજુ તારીખ-મહિનો નક્કી નથી થયા, પરંતુ
તૈયારી ચાલી રહી છે. રુસી રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ દરમ્યાન બન્ને દેશ વચ્ચે 2030 માટે નવા આર્થિક રોડમેપને આગળ
વધારાય તેવી ધારણા છે.