નવી દિલ્હી, તા.8 : બજેટમાં મધ્યમ
વર્ગને આયકરમાં રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર ટોલ ટેક્સમાં મોટી રાહત આપવાની તૈયારીમાં
છે. કેન્દ્રના માર્ગ અને પરિવહન બાબતના મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મોદી સરકાર હવે
રાષ્ટ્રીય રાજમાર્ગનો ઉપયોગ કરનારાઓને ફાયદો પહોંચાડવા એક સમાન ટોલ નીતિ પર કામ કરી
રહી છે. મીડિયા સાથે વાતચીત વખતે મંત્રી ગડકરીએ કહ્યું કે મુસાફરોને જલ્દી જ રાહત મળશે.
અમારું શોધ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે અને આ યોજનાનો વહેલી તકે ખુલાસો કરવામાં આવશે.
જો કે ટોલ સમાપ્ત કરવામાં આવશે કે તેમાં રાહત જાહેર કરાશે ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. તેમણે વધુમાં
કહયું કે સરકાર નેશનલ હાઈવે'સ પર એક બેરિયર રહિત ગ્લોબલ નેવિગેશન
સેટેલાઈટ સિસ્ટમ આધારીત ટોલ વ્યવસ્થા પર કામ કરી રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમને
આયકરમાં રાહત જાહેર કર્યાના ટૂંકા ગાળામાં ગડકરીએ ટોલ ટેક્સમાં રાહતનો સંકેત આપ્યો
છે. ગડકરીએ ટોલ ટેક્સ અંગે વાયરલ થયેલા મીમ્સ અંગે પણ વાત કરી અને કહયું કે તેઓ જાણે છે કે સોશ્યલ મીડિયા પર તેમના ઘણાં કાર્ટૂન અને
મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ઘણાં લોકો મને ટ્રોલ કરે છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી
નારાજગી વ્યક્ત કરે છે પરંતુ તેમનો ગુસ્સો થોડા જ દિવસોમાં સમાપ્ત થઈ જશે.