નલિયા, તા 22 : અબડાસા તાલુકાના
નરેડી ગામમાં વીજ તંત્રની કથિત બેદરકારીને કારણે એક 31 વર્ષીય યુવાન જાવેદ સિધિક હજામનું કરૂણ મોત નીપજ્યું
છે. સીમાડામાં જોખમી રીતે નીચા લટકી રહેલા હાઈ-વોલ્ટેજ વીજ તારોના સંપર્કમાં આવતા યુવાન
ગંભીર રીતે દાઝી ગયો હતો, જેણે રવિવારે રાત્રે ભુજની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર દિવસ પહેલા જાવેદની એક બકરી
સીમાડામાં ગુમ થઈ હતી, જેનું વાસ્તવમાં નીચા લટકતા તારથી કરંટ
લાગતા મોત થયું હતું. પોતાની બકરીને શોધવા નીકળેલો જાવેદ આ જીવંત વીજ તારોના સંપર્કમાં
આવી ગયો હતો. ગંભીર હાલતમાં તેને પ્રથમ મંગવાણાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ
ખસેડવામાં આવ્યો હતો. જાવેદ તેના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો અને તે પોતાની પાછળ
પત્ની તથા બે નાના બાળકોને વિલાપ કરતા છોડી ગયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વીજ
કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં આ જોખમી તારો સરખા કરવામાં આવ્યા નહોતા, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે.