ગાંધીધામ, તા. 22 : ગાંધીધામના
ટાગોર રોડથી ગુરુકુળ તરફ જતા માર્ગનું નવીનીકરણ થઈ રહ્યું છે એટલા માટે એક બાજુનો માર્ગ
બંધ કર્યો છે અને જે માર્ગ હાલ પરિવહન માટે કાર્યરત છે, તેની વચ્ચોવચ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના ચક્કરમાં
પાણીની લાઈન તોડી નાખતાં હજારો-લાખો લિટર પાણીનો વેડફાટ થયો જ છે. પણ રોડની વચ્ચે મોટો ખાડો પડી ગયો હોવાથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ
સર્જાઇ છે અને લોકોને-વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વહીવટી તંત્રો
સુવિધાઓ આપવાના બદલે લોકો માટે મુસીબતો ઊભી કરી રહ્યા છે, તેના
કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ડ્રિલથી
જમીનમાં બોર કરાય છે
પીજીવીસીએલ
દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે તેમજ જમીનમાં ડ્રિલ મારીને
બોર કરાય છે, તેમાં ગટર અને પાણીની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું
છે. ટાગોર રોડથી ગુરુકુળ જતા રોડ ઉપર ગેટથી થોડા આગળ પ્રથમ વખત લાઈન તોડી ત્યારે બસ
ફસાઈ હતી, ત્યારબાદ સામેની બાજુ બીજી વખત લાઈન તોડવામાં આવી હતી
અને હજારો લિટર પાણી માર્ગ ઉપર વેડફાયું હતું, ત્યાર પછી જે જગ્યાએ
બસ ફસાઈ હતી ત્યાં જ બાજુમાં અંડર ગ્રાઉન્ડ ડ્રિલથી બોર કરવામાં આવતાં મહાનગરપાલિકાની
10/એની મુખ્ય લોખંડની ડીઆઈ લાઈનમાં
બોર કરી દેવામાં આવતાં સવારે સપ્લાય સમયે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. આસપાસની
સોસાયટીઓમાં આ પાણી વહી રહ્યું હતું. રોડની વચ્ચોવચ મોટો ખાડો પડી જતાં વાહન વ્યવહાર
પણ ખોરવાયો હતો.
પાલિકાના
અધિકારીઓ પહોંચ્યા
લાઇન
તૂટી હોવાની જાણ થતાં પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.
પરંતુ લાઈનને મોટું નુકસાન હતું એટલે તુરંત સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો, જેનાં કારણે વધારે પાણીનો વેડફાટ થતો અટક્યો હતો. પીજીવીસીએલના અંડર ગ્રાઉન્ડ
કેબલ નાખવા માટેના કોન્ટ્રાક્ટરો લાઈનોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અને કમિશનર કોઈ પગલાં ભરતા નથી. જેના પગલે
અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સરકારી સંપત્તિને
વ્યાપક નુકસાન પહોંચવા સાથે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. લોકોને પીવાનું પાણી મળતું
નથી, જે પાણી ઘરનાં નળમાં આવવું જોઈએ તે રોડ ઉપર વેડફાઈ રહ્યું
છે. આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.