ગાંધીધામ, તા. 22 : દેશના 70 ટકા લાકડાંની આયાત કરતા ટિમ્બર ઉદ્યોગમાં પાઈન વૂડની
માંગ વ્યાપક પ્રમાણમાં છે, ત્યારે રાહતદરે એક દેશમાંથી જ આયાત
થતી હતી, પરંતુ ભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વ્યાપાર અંગેના કરાર થતાં હવે રાહતદરે બીજા દેશમાંથી આયાત
થઈ શકશે. આ કરાર થવાથી ટિમ્બરની આયાતમાં જબ્બર ઉછાળો આવશે અને બજારને બુસ્ટ મળશે,
તેવો આશાવાદ પ્રબળ બન્યો છે.
ટિમ્બર
ઉદ્યોગની રાહત માટે કરાઈ હતી રજૂઆત
એશિયાના
સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગના સંગઠન કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જરના જણાવ્યા
પ્રમાણે ટિમ્બરની આયાત ઘણા દેશોમાંથી થાય છે, પરંતુ માત્ર ઓસ્ટ્રેલિયા સાથે જ ફ્રી
ટ્રેડ અંગેના કરાર હતા અને મહત્તમ પાઈન અને લોગ ઓસ્ટ્રેલિયાથી જ આવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ,
ઉરુગ્વે, આર્જેન્ટિનાથી પણ આયાત થઈ રહી છે,
પરંતુ ઓસ્ટ્રેલિયા જેટલી રાહત નહીં. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન સાથેની મુલાકાતમાં ટિમ્બર આયાતમાં રાહત આપવા અંગે રજૂઆત કરવામાં
આવી હતી તેમજ તાજેતરમાં ન્યૂઝીલેન્ડનું ઉચ્ચસ્તરીય
પ્રતિનિધિ મંડળ દિલ્હી અને કંડલા મહાબંદરની મુલાકાત માટે આવ્યું હતું અને તે દરમ્યાન
પણ ફ્રી ટ્રેડની બાબતમાં ચર્ચા-વિચારણા થઈ હોવાનું ઉમેર્યું હતું.
ટિમ્બર
ઉદ્યોગના વિકાસના દ્વારા ખૂલશે
દરમ્યાન
કરાર અંગે બંને દેશ વચ્ચે ઉચ્ચસ્તરીય ચર્ચા ચાલી રહી હતી તે વચ્ચે મુક્ત વ્યાપાર અંગેના
કરાર થતાં ટિમ્બર ઉદ્યોગ માટે વધુ વિકાસના દ્વાર ખૂલશે, તેવું તેમણે જણાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ
દ્વારા ટિમ્બરની આયાતમાં 5.5 ટકા
ડયૂટીની રાહત આપવામાં આવશે. જેનાથી ટિમ્બર ઉદ્યોગને બહુ મોટી રાહત થશે.
અન્ય
દેશો સમક્ષ પણ રજૂઆત
ન્યૂઝીલેન્ડ
ઉપરાંત આર્જેન્ટિના અને ઉરુગ્વે સમક્ષ પણ કંડલા ટિમ્બર એસોસીએશન દ્વારા મુક્ત વ્યાપાર અંગેના કરાર કરીને આયાતમાં ટિમ્બર ઉદ્યોગને રાહત આપવા અંગે રજૂઆત
કરવામાં આવી છે. તાજેતરમાં મુંબઈ ખાતે આર્જેન્ટિનાની એમ્બેસી ખાતે પ્રતિનિધિ મંડળ સાથે
કંડલા ટિમ્બર એસોસીએશન દ્વારા બેઠક કરવામાં આવી હતી, જેમાં આયાતમાં
રાહત આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ
બેઠક દરમ્યાન આર્જેન્ટિનાના ઉચ્ચ અધિકારીઓ અને ત્યાંના નિકાસકારો સાથેનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ ગાંધીધામની મુલાકાત લેશે
તેવું નક્કી થયું હતું.
પ્રતિવર્ષ
આયાતમાં વૃદ્ધિ
વિદાય
લેતાં વર્ષમાં લાકડાં ઉદ્યોગની તકો વધી છે, ત્યારે આવનારાં વર્ષમાં પણ વધુ દેશો
મુક્ત વ્યાપારની દિશામાં આગળ વધશે, તો એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગને વધુ વેગ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટિમ્બરની
આયાતમાં પ્રતિવર્ષ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. પ્રતિ વર્ષ આયાતમાં 10થી 15 ટકાની
વૃદ્ધિ થઈ રહી છે, જો આગામી સમયમાં
મુક્ત વ્યાપાર કરતાં દેશોની સંખ્યામાં વધારો થશે, તો આ ટકાવારી
ઊંચી જશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કચ્છમાં પાઈન વૂડની માંગ
વ્યાપક છે, તેની આયાતમાં હવે સ્પર્ધાત્મકતા વધશે.