લોકતંત્રના ચાર સ્તંભ પૈકી અત્યંત અગત્યના સ્તંભ
એવા ન્યાયતંત્રમાં ભ્રષ્ટા વ્યવહાર ન હોવો જોઈએ તેવું સર્વોચ્ચ અદાલતે કહીને ઘણા મોટા
સંકેત આપ્યા છે. કોર્ટ પોતે જ્યારે આ પ્રકારની ટકોર કરે ત્યારે દેશની ન્યાયપાલિકાની
સ્થિતિ શું હશે તેની કલ્પના થઈ શકે. એ વાત અલગ છે કે, કલ્પના કરવાની જરૂર પણ નથી. જનતાને
કાયદાક્ષેત્રના અનેક અનુભવ દરરોજનાં જીવનમાં ગ્રામ્ય સ્તરેથી લઈને મોટાં-મોટાં નગરોમાં
થતા રહેતા હોય છે. જેમનું નામ હમણા બહુ ચર્ચામાં છે તે ગાંધીજીએ સાધનશુદ્ધિ જેવો શબ્દ
આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ન્યાયપાલિકા પાસે સાધનશુદ્ધિની અપેક્ષા રાખી છે. જે વાત
સુપ્રીમ દીવાલોમાંથી બહાર આવી છે તેમાં અપ્રસન્નતાનો સૂર છે. સેવા નિવૃત્તિ-રિટાયર્મેન્ટ
પહેલાં થોડા સમય અગાઉ ફટાફટ ચુકાદા આપવાની કેટલાક ન્યાયાધીશોની વૃત્તિ કે માનસિકતા
ઉપર સર્વોચ્ચ અદાલતે અભિપ્રાય આપ્યો છે, કોર્ટે કહ્યું કે,
કોઈ મેચની છેલ્લી કેટલીક ઓવર્સ બાકી હોય ત્યારે કોઈ સિક્સર ઉપર સિક્સર
મારવા લાગે તેવી આ વાત છે. અલબત્ત, નિવૃત્તિ અગાઉ થોડા સમય પહેલાં
વધારે સંખ્યામાં આદેશ આપવાની પરંપરા નવી નથી. સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે તે વાત
ગંભીર છે, સાથે સવાલ એ છે કે, આ સ્થિતિનું
કોઈ નિરાકરણ, કોઈ ઉકેલ ખરો? કે પછી અહીં
જ વાત અટકીને રહી જશે. ન્યાયપાલિકાની વિસગંતતાઓ ઉપર ચર્ચા સતત થતી રહે છે. સમય અનુસાર
જે સુધારા થઈ રહ્યા છે, તેનાથી મૂળ સમસ્યાનો ઉકેલ આવતો હોય તેવું
જણાતું નથી. ન્યાય મળવામાં વિલંબ, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિની
પ્રક્રિયા સહિતના મુદ્દાના સમાધાન ત્વરિત આવી રહ્યાં નથી. નિવૃત્તિના 10 દિવસ અગાઉ ફરજમોકૂફ કરવાના નિર્ણયને પડકારતાં મધ્યપ્રદેશના
એક જજે અરજી કરી તેના ઉપર સર્વોચ્ચ અદાલતે આ તાજેતરની ટકોર કરી છે. એક જજ વિરુદ્ધ મહાભિયોગ થયો તો તેમણે
સર્વોચ્ચ અદાલતના દ્વારે જઈને કહ્યું કે, મારા વિરુદ્ધ લોકસભા સ્પીકરે કરેલી
ફરિયાદ અને તપાસ સમિતિ નિયમ વિરુદ્ધ છે. સર્વોચ્ચ અદાલતે લોકસભા-રાજ્યસભાના મહાસચિવનો
જવાબ પણ માગ્યો. ચુકાદો જે આવે તે પરંતુ ગંભીર આરોપ પછી પણ ન્યાયાધીશે પોતાની વાત તો
મૂકી જ છે. સર્વોચ્ચ અદાલતી ટકોરને મુદ્દાઓ સાથે સંબંધ છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ
સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી તથા વિપુલ પંચોલીની ખંડપીઠે
એવું કહ્યું છે કે, કેટલાક જજ નિવૃત્તિના થોડા દિવસ પહેલાં ઘણા
ચુદાકા આપે છે તે પ્રવૃત્તિ વધી ગઈ છે. સર્વોચ્ચ અદાલતનાં આ અવલોકન અને અભિપ્રાયની
અસર શું થાય છે તે જોવાનું રહે.