નવી દિલ્હી,
તા. 22 : રૂસના
રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સમગ્ર યુક્રેન ઉપરાંત યુરોપ પર કબજો જમાવવાની યોજના ધરાવતા
હોવાનો ખુલાસો અમેરિકી ગુપ્તચર એજન્સીઓના અહેવાલમાં કરવામાં આવ્યો છે. અહેવાલમાં અપાયેલી
ચેતવણી અનુસાર રૂસી રાષ્ટ્રપતિએ યુક્રેન પર પોતાનાં યુદ્ધનાં લક્ષ્ય બદલ્યાં નથી. તેઓ
સમગ્ર યુક્રેન કબજે લેવા અને પૂર્વ સોવિયેત સામ્રાજ્યના ભાગોને પરત લેવાની યોજના ધરાવે
છે. આ અહેવાલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના શાંતિ વાટાઘાટકારોના નિવેદનોથી
તદ્દન ઉલટ છે. ટ્રમ્પની ટીમ કહેતી આવી છે કે પુતિન યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે. જોકે
ગુપ્તચર અહેવાલો અનુસાર પુતિનના ઈરાદા એ જ છે જે 2022માં
પૂર્ણ આક્રમણ શરૂ કરવા સમયે હતા. આ ખુલાસા યુરોપીયન નેતાઓ અને તેમની ગુપ્તચર એજન્સીઓના
વિચારોથી મેળ ખાય છે. તેઓ માને છે કે પુતિન સમગ્ર યુક્રેન અને પૂર્વ સોવિયેત સામ્રાજ્યના
દેશોનું ક્ષેત્ર મેળવવા ઈચ્છે છે. અમેરિકી હાઉસ ઈન્ટેલિજન્સ કમિટીના ડેમોક્રેટ સભ્ય
માઈક કિંગ્લીએ કહ્યું કે ગુપ્તચર જાણકારી હંમેશાંથી એ જ રહી છે કે પુતિન યુક્રેન અને
યુરોપને મેળવવા માગે છે.