અમદાવાદ, તા.7 (અમારા પ્રતિનિધિ તરફથી) : દેશના
બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીના નાના પુત્ર જીતના લગ્ન
હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે અમદાવાદ અદાણી શાંતિગ્રામ ટાઉનશિપની
બેલ્વેડેર ક્લબમાં આજે સંપન્ન થયાં હતાં. લગ્ન બાદ નવદંપતીની તસવીર ગૌતમ અદાણીએ સોશિયલ
મીડિયા પર શેર કરી હતી. અદાણીએ આ લગ્નને સિતારાઓ,
ઉદ્યોગપતિઓની હાજરીથી ઝાકઝમાળ ભર્યા બનાવવાની જગ્યાએ સાદગીપૂર્ણ રાખવા
ઉપરાંત સામાજિક સેવાકાર્યો માટે 10 હજાર કરોડની સખાવતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લગ્નના બે દિવસ
પહેલાં 21 દિવ્યાંગ યુગલોને નિવાસે બોલાવી તેમને મળી સંસારીજીવનની શુભકામનાઓ
પાઠવવાની સાથે દર વર્ષે 500 નવપરિણિત દિવ્યાંગ મહિલાને
10 લાખ રૂપિયાની આર્થિક મદદની
પણ જાહેરાત કરી હતી. જીત અદાણીનાં લગ્ન ભવ્ય અને અદભૂત જશ્નની જેમ ઉજવાશે તેવી અટકળોનો
અંત લાવી દેતાં આ અબજોપતિ કારોબારીએ પારિવારિક લગ્ન સમારોહને ઝાકમઝોળથી તો અળગો રાખ્યો
જ હતો પરંતુ `બહુજન હિતાય, બહુજન સુખાય'ના ધ્યેય
સાથે 10 હજાર કરોડની સખાવતની જાહેરાત
કરી હતી. લગ્નની પહેરામણીને વિવિધ સામાજિક કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવશે. નાના પુત્રના
લગ્નોત્સવ પ્રસંગે ગૌતમ અદાણીએ `એક્સ' પર લખ્યું હતું કે પરમપિતા પરમેશ્વરના આશીર્વાદથી
જીત અને દીવા આજે વિવાહના પવિત્ર બંધને બંધાયાં હતાં. આ વિવાહ આજે અમદાવાદમાં પ્રિયજનો
વચ્ચે પારંપરિક રીતરિવાજો અને શુભ મંગળ ભાવ સાથે સંપન્ન થયાં હતાં. આ એક નાનો અને અત્યંત
ખાનગી સમારોહ હતો એટલે અમે ઈચ્છવા છતાં તમામ શુભચિંતકોને આમંત્રિત કરી શક્યા નથી જેના
માટે હું ક્ષમાપ્રાર્થી છું. હું આપ તમામને પુત્રી દિવા અને જીત માટે સ્નેહ અને આશીષના
હૃદયથી આકાંક્ષી છું.