• ગુરુવાર, 19 માર્ચ, 2026

કચ્છના 85 ખેડૂતો અન્ય જિલ્લાની ખેતી પદ્ધતિથી માહિતગાર થયા

ભચાઉ, તા. 18 : ભચાઉ સ્થિત સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર દ્વારા કચ્છના 85 ખેડૂતને અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ કરાવીને વિવિધ નવીન ખેતી પદ્ધતિઓ અંગે માહિતગાર કરાયા હતા. વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના વડા અને સહસંશોધન વૈજ્ઞાનિક ડો.આર.એમ. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું અને મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. વાય. એચ. રાઠવા તેમજ ખેત મદદનીશ જશપાલાસિંહ ડાભી અને મહેશભાઈ મરવાડિયા દ્વારા ખેડૂતોની આજીવિકામાં વધારો થાય તેમજ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર બને તે માટે જિલ્લાના ખેડૂતો ઉપયોગી ભલામણોના ફાયદાનું જીવંત નિદર્શન નિહાળી શકે તેવું આયોજન કરાયું હતું  ફેબ્રુઆરીમાં પ્રથમ જિલ્લા બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લાના ખેડૂતોને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગરના વિવિધ સંશોધન કેન્દ્રો, પાક સુધારણા કેન્દ્ર, તેલીબિયાં સંશોધન કેન્દ્ર, પશુ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર, કઠોળ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ડીસા તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત કરાવી હતી. સરદાર કૃષિનગર દાંતીવાડા મહાવિદ્યાલયના વિવિધ સંશોધન કેન્દ્રો દ્વારા વિવિધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓની માહિતી જે તે સંશોધન કેન્દ્રોના સંશોધન વડા તથા સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કરાતી વિવિધ પાકોની ખેતી તેમના જ ખેતર ઉપર ખેડૂતોએ ખેતીમાં અપનાવવાની વિવિધ નવીન ખેતી પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં અંજીરની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતનાં ખેતરની મુલાકાત કરાવી હતી. દરમ્યાન અંજીરની ખેતીની સંપૂર્ણ માહિતી ખેડૂતોએ મેળવી હતી તથા અંજીરની ખેતીમાં અપનાવવામાં આવેલા સંપૂર્ણ યંત્રીકરણના ફાયદા ખેડૂતોને સમજાવાયા હતા. ત્યારબાદ ખેડૂતોને સારંગપુર સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા સંચાલિત ગૌશાળા તથા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી અને તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદિક હોસ્પિટલ, સોસીયો ગામ ખાતે નર્સરી તેમજ અલંગ શિપયાર્ડ, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત કરાવાઈ હતી. ભાવનગરના  પ્રવાસ દરમિયાન ખેડૂતોને નાળિયેરી સંશોધન કેન્દ્ર, મહુવા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર -અમરેલી તથા વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતોનાં ખેતરની મુલાકાત કરાવવામાં આવશે. 

Panchang

dd