ભુજ, તા. 18 : અદાણી મેડિકલ કોલેજમાં વર્ષ
2020ની બેચના 151 તબીબી વિદ્યાર્થીઓએ એમબીબીએસનો
અભ્યાસક્રમ પૂર્ણ કરતાં ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વક્તાઓએ ડિગ્રી
એ માત્ર ઓળખ નહીં, પણ એક જવાબદારી હોવાનું જણાવ્યું હતું. અદાણી
હેલ્થકેર ગ્રુપના વડા ડો. પંકજ દોશીએ સાચા યશના ભાગીદાર વિદ્યાર્થીઓના વડીલોને ગણાવ્યા
હતા તથા નવોદિત તબીબોને તબીબી, વહીવટી, સંશોધન અને ટેક્નોલોજી ક્ષેત્રે પસંદગી અને રસ મુજબ આગળ વધવા જણાવ્યું હતું. મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ નવોદિત તબીબોને
વ્યવસાયમાં માનવીય અભિગમ અપનાવવા પણ શીખ આપી હતી. કોલેજના ડીન ડો. એ. એન. ઘોષે સ્વાગત
કરી તબીબોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી તબીબ બનવું એ ફક્ત ડિગ્રી નથી પણ ઉમદા વ્યવસાય
સાથે મોટી જવાબદારી પણ છે. તેમણે શીખવાનું ક્યારેય ન છોડવા જણાવ્યું હતું. ચીફ મેડિકલ
સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણીએ તબીબોને ચરક સંહિતાના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં આસિ. ડીન ડો. અજિત ખીલનાની, ડો. સચિન પાટિલ, ડો. હિતેશ
આસુદાની સહિત ફેકલ્ટી, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, તબીબો જોડાયા હતા. વિભાગ મુજબ ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરાયા હતા. સમગ્રતયા
(ઓવર ઓલ) ગોલ્ડ મેડલ દવે વિશ્વા પરેશકુમારના ફાળે ગયું હતું. સમારંભના કો-ઓર્ડિનેટર
તરીકે ડો. પારસ પારેખ અને ડો. મોનાલી જાની રહ્યા હતા. ડો. હાર્દિક વાઘેલા, ડો. રૂપલ બિરારે, ડો. જ્યોત કેશરાણી, ડો. હેતાંશ ભાલાળાએ કોલેજના 1868 દિવસને વાગોળી પ્રતિભાવ આપ્યા
હતા. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ ડિગ્રી પ્રમાણપત્ર એનાયત વિધિમાં જોડાયા હતા. કાર્યક્રમનું
સંચાલન સોનાક્ષી, આઋષિ,
દેવાંશ, અમી, મેરી,
ધરણએ કર્યું હતું.