• ગુરુવાર, 19 માર્ચ, 2026

ગુજરાતમાં બોમ્બની ધમકીઓથી સુરક્ષા તંત્ર સતર્ક

અમદાવાદ, તા.18 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઈલ દ્વારા ધમકી મળી હતી. બોમ્બની ધમકીને પગલે વિધાનસભા પરિસરને ખાલી કરાવીને ડૉગ સ્કવોર્ડ - બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સદ્દનસીબે કશું જ વાંધાજનક નહીં મળતા ધમકી માત્ર અફવા સાબિત થતાં સરકાર સહિત તમામ ધારાસભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, ગુજરાત વિધાનસભા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા શખ્સ દ્વારા ઈમેઈલ મારફતે ધમકી મોકલવામાં આવી હતી. ઈમેઈલ મળતાં વિધાનસભા સચિવે તાત્કાલિક અધ્યક્ષ શંકર ચૌધરીને જાણ કરી હતી. જેઓએ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. સંદેશાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ સૌથી પહેલું પગલું તરીકે વિધાનસભા પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.આજે સવારે 9 વાગ્યાની વિધાનસભા હોવાથી તમામ પક્ષના ધારાસભ્યો અને અધિકારીઓ, પત્રકારો હાજર હતા. પોલીસ અને સુરક્ષા એજન્સીએ તાત્કાલિક ધોરણે હાજર અધિકારીઓ, સ્ટાફ તેમજ પત્રકારો સહિત અન્ય લોકોને સુરક્ષિત બહાર કાઢયા હતા. પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળવાના તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા હતા. દરેક વાહન અને વ્યક્તિની પણ ચકાસણી કરવામાં આવી હતી.  દરમિયાન સાવચેતીના ભાગરૂપે 9 તમામ ધારાસભ્યોને સ્વર્ણિમ સંકુલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે, ક્લિયરન્સ મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ અને ધારાસભ્યો ગૃહમાં પરત ફર્યા હતા. સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ અને પરિસ્થિતિ સામાન્ય જણાતા સત્રની કાર્યવાહી 1 કલાક મોડી 10 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીનો મુદ્દો કોંગ્રેસના ઉપનેતા ધારાસભ્ય શૈલેષ પરમારે ઉઠાવ્યો હતો.જે અનુલક્ષીને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર ઘટનાથી ગૃહના સભ્યોને અવગત કરાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આવા અસામાજિક તત્વોની ધમકીઓ સામે ગુજરાત ક્યારે ઝુક્યું નથી અને  ક્યારે ઝુકશે પણ નહીં. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, `સવારે 8 વાગ્યે વિધાનસભાના મેઇલ આઇડી ઉપર મેઇલ આવ્યો હતો. આ મેઇલની તપાસ ચાલી રહી છે. ગુનો દાખલ કરવામાં આવશે. અમદાવાદની ચાર સ્કૂલોને પણ ઈમેઈલથી ધમકી મળી હતી.  

Panchang

dd